કચ્છમાં ખનિજ ચોરો પર ફ્લાઈંગ સ્ક્વોર્ડનો સપાટો : ૫ વાહનો જપ્ત
અંજાર, ભુજ અને મુંદરા પંથકમાં વહેલી સવારે દરોડા પાડી લાખોની ખનિજ ચોરી ઝડપી લેતી તપાસ ટીમ
ભુજ - કચ્છઉદય : કચ્છ કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ખનિજ માફિયાઓ વિરુદ્ધ લાલ આંખ કરીને ફ્લાઈંગ સ્ક્વોર્ડ-કચ્છ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તા. ૨૪ ફેબ્રુઆરીના વહેલી સવારે તપાસ ટીમ દ્વારા અંજારના કળશ સર્કલ પાસે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સિલિકા ખનિજનો જથ્થો કોઈપણ જાતના રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે વહન કરી રહેલા ૩ ડમ્પર પકડી પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય ડમ્પરને તાત્કાલિક અસરથી સિઝ કરી અંજારની વીએનએસ લિઝ ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે.
આ ઉપરાંત ભુજના નગોર રોડ પરથી સાદી રેતીનું રોયલ્ટી પાસ વગર વહન કરતું વધુ એક ડમ્પર ઝડપાયું હતું. આ ડમ્પરને સિઝ કરી ભુજ સ્થિત સરકારી ગોદામ ખાતે કસ્ટડીમાં મૂકવામાં આવ્યું છે. આ પૂર્વે તા. ૨૩ ફેબ્રુઆરીના રોજ મુંદરાના મોટા કપાયા નદી વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી હતી. જ્યાં નદીના પટમાંથી સાદી રેતીનું ગેરકાયદે ખનન કરી રહેલા એક ડમ્પર અને એક લોડર મશીનને પકડી પાડવામાં આવ્યા હતા. આ બંને વાહનોને સિઝ કરી મુંદરા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે. ફ્લાઈંગ સ્ક્વોર્ડની આ સપાટાબંધ કામગીરીથી ખનિજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
---------

Comments