Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ પોલીસના બેદરકાર અધિકારીઓની સજાના ભાગરૂપે અન્ય જિલ્લામાં બદલી કરાશે ?

24 February

સ્ટેટ મોનિટરિંગ સેલના સપાટા બાદ પોલીસ બેડામાં ખળભળાટ



કચ્છમાં પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠ મામલે ગૃહ વિભાગની લાલ આંખ : સ્ટેટ મોનિટરિંગ સેલના અહેવાલના આધારે ડીજીપી દ્વારા આકરા પગલાં લેવાની તૈયારી : ૧૫ દિવસમાં સાત કરોડનો દારૂ ઝડપાતા ઉચ્ચ અધિકારીઓનો ક્લાસ લેવાયો :  ગૃહ વિભાગના આદેશ બાદ હવે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સમગ્ર કચ્છ જિલ્લાનો તૈયાર કરવામાં આવી રહ્યો છે વિસ્તૃત રિપોર્ટ : જિલ્લાના કયા અધિકારીઓ અને સ્ટાફના સભ્યોની કામગીરી શંકાસ્પદ છે તેમજ કોણ વહીવટદારો તરીકે બુટલેગરો સાથે સંપર્કમાં છે તેની તમામ વિગતો  કરવામાં આવશે એકત્ર : સુત્રો


ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બેરોકટોક ચાલી રહેલી વિદેશી દારૂની હેરાફેરી અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલા મસમોટા દરોડા બાદ હવે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યના ગૃહ વિભાગે આ સમગ્ર પ્રકરણની અત્યંત ગંભીરતાથી નોંધ લીધી છે અને બેદરકાર 
પોલીસ અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.  આ અંગે સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર, રાજ્ય 
પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવની કચ્છ મુલાકાત દરમિયાન જ કરોડો રૂપિયાનો દારૂ ઝડપાતા પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે, જેના પરિણામે આગામી દિવસોમાં જવાબદાર અધિકારીઓની સજાના ભાગરૂપે અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવશે. આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે રાજ્ય પોલીસ વડાની મુલાકાત પૂર્વે જ પધ્ધર પોલીસ સ્ટેશનની હદમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડીને ચાર કરોડ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આટલી મોટી રકમનો મુદ્દામાલ પોલીસની નાક નીચેથી પકડાયા બાદ ડીજીપીની મુલાકાત પૂર્ણ થતાની સાથે જ ભચાઉ પોલીસ સ્ટેશનની હદમાંથી પણ એક કરોડના દારૂ સહિત કુલ ૧.૩૦ કરોડનો મુદ્દામાલ ઝડપાયો હતો. છેલ્લા માત્ર ૧૫ દિવસના ટૂંકા ગાળામાં જ કચ્છ જિલ્લામાંથી આશરે સાત કરોડ રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂ પકડાતા સ્થાનિક પોલીસ અને બુટલેગરો વચ્ચેની ગાઢ સાંઠગાંઠ હોવાની વિગતો સપાટી પર આવી છે.સ્ત્રોતોના જણાવ્યા અનુસાર, ખુદ ડીજીપી ડૉ. કે. એલ. એન. રાવ આ પરિસ્થિતિથી અત્યંત નારાજ છે અને તેમણે મુલાકાત દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કડક શબ્દોમાં ક્લાસ લીધો હોવાનું જાણવા મળ્યું છે. ગૃહ વિભાગના આદેશ બાદ હવે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સમગ્ર કચ્છ જિલ્લાનો એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રિપોર્ટમાં જિલ્લાના કયા અધિકારીઓ અને સ્ટાફના સભ્યોની કામગીરી શંકાસ્પદ છે તેમજ કોણ વહીવટદારો તરીકે બુટલેગરો સાથે સંપર્કમાં છે તેની તમામ વિગતો એકત્ર કરવામાં આવશે. આ તપાસ રિપોર્ટના આધારે માત્ર આંતરિક બદલીઓ જ નહીં, પરંતુ જિલ્લા બહાર સજાના ભાગરૂપે બદલીઓ કરીને દાખલો બેસાડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે હવે ભ્રષ્ટ અને બેદરકાર 
પોલીસ તત્વો સામે ક્લિન-અપ ઓપરેશન શરૂ કરવામાં આવશે તેવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના આગામી અહેવાલ પર હવે સૌની મીટ મંડાયેલી છે, જેના કારણે કચ્છ પોલીસ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

Comments

COMMENT / REPLY FROM