કચ્છમાં દારૂનું નેટવર્કઃ દરરોજની હજારો પેટીઓનું ‘કટિંગ’ઃ કરોડોનો વ્યવહાર : હપ્તાખોરીનો મોટો અંગુલીનિર્દેશ
તેરી ભી ચુપ મેરી ભી ચૂપનો તાલ
જિલ્લામાં વિસ્તારવાઇજ બુટલેગરોએ વિકસાવેલ છે સામ્રાજય : પુનો-અનોપ છે જિલ્લાના સૌથી મોટા લીસ્ટેડ બુટલેગર, જેના અન્ડરમાં ભુજમાં નવગણ સિવાય અન્ય કેાઈની લાઈનને ન અપાય મંજુરી, માંડવી પટ્ટામાં યુવરાજ-અરવિંદ જ દારૂનો કરી શકે છે વેપલો, નખત્રાણા-લખપત-અબડાસા પટ્ટામાં જીતીયાના દારૂનું વકરેલું છે નેટવર્ક
કચ્છમાંથી ઉપરાછાપરી કરોડોનો દારૂ ઝડપાઈ રહ્યો છે, હવે કચ્છની નાલેશી થઈ રહી છે, વિધાનસભા ગૃહ સુધી દારૂનો મુદો હવે ઉછળવા લાગી રહ્યો છે, સારી કામગીરી કરનાર ગૃહવિભાગને પણ આ પ્રકારના દારૂના કિસ્સાઓથી જવાબો આપવાની સર્જાઈ જાય છે સ્થિતી..!
કચ્છમાથી દારૂ જેવા બેનામી ધંધાઓ બંધ કરવા હોય તો આટલું કરો..? સનિષ્ઠ ઉચ્ચ અધીકારી કચ્છમાંથી જેમને જિલ્લા બહાર મોકલે છે તેઓ ફરી ફરીને ગોઠવણોથી કચ્છમાંથી આવી જાય છે, આવા તત્વોને શોધી અને તેમને જિલ્લા બહાર કાયમી ધોરણે દુર કરો, તો જ આ બદી અટકશે, મોટા ભાગના દારૂ સહિતના બેનામી ધંધામાં આવા અમુક તત્વોના જ હોય છે દોરીસંચાર..! આવા તત્વો કેટલા ફાટીને ફુલેકે ગયા છે જુઓ તો ખરા, ૧ આઈજીએ તો નામજોગ સુચી જાહેર કરી હતી, જેમાં આવા તત્વોને મહત્વપૂર્ણ પદો ન આપવાના આદેશ કર્યા હતા,પરંતુ ફરી ફરીને સારી જગ્યાએ ગોઠવાઈ જનારાઓ આવા આઈજી જેવા અધિકારીઓના આદેશને પણ ગાઠતા જ નથી..!
ગાંધીધામ : એકતરફ ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીની ચુસ્ત અમલવારી માટે કડક કાર્યવાહી અને નીતીઓ અમલી બનાવવામા આવી રહી છે ત્યારે બીજીતરફ કચ્છ જેવા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જિલ્લામાં દારૂબંધીના રીતસરના જ લીરેલીરા જ ઉડવાપામી રહ્યા હોય તેવી સ્થિતી સર્જતા ઘટનાક્રમોનો સીલસિલો સામે આવવા પામી રહ્યો છે. કચ્છ જિલ્લામાં મુખ્ય બુટલેગરો દ્વારા વિદેશી દારૂના મોટા જથ્થાનું કટિંગ કર્યા બાદ, તેને નાના બુટલેગરો અને ચોક્કસ ‘પોઈન્ટ્સ‘ સુધી પહોંચાડવાનું એક વ્યવસ્થિત નેકસસ કાર્યરત હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ગેરકાયદેસર વેપારમાં ભુજથી લઈ છેવાડાના લખપત સુધી દારૂની પેટીઓ પહોંચાડવામાં આવતી હોવાનુ ચર્ચાય છે. આ નેટવર્ક ચલાવવા માટે પોલીસ અને વહીવટદારો સુધી મોટી રકમ પહોંચાડવામાં આવતી હોવાના આક્ષેપ છેઃપેટી દીઠ રકમઃ દરેક પોઈન્ટ પર પેટીના ભાવ પ્રમાણે રકમ નક્કી હોય છે, જે સ્થાનિક પોલીસ સુધી પહોંચાડવામાં આવતી હોવાનુ ચર્ચાય છે. બીજી પદ્વતિ અનુસાર લાખોનો વહીવટઃ કરવામા આવે છે. ભુજના પોઈન્ટ્સ પરથી પેટી દીઠ ૨ લાખથી ૫ લાખ રૂપિયા સુધીની રકમ અલગથી વહીવટદાર સુધી પહોંચાડવામાં આવતી હોવાનુ ચર્ચાય છે. અને ત્રીજી પ્રથા એટલે કે બેવડી હપ્તા પ્રથા છે. જેમાં મુખ્ય કટિંગ કરનારા બુટલેગરો મોટો વહીવટ કરે છે, જ્યારે નાના પોઈન્ટ્સ ધરાવતા બુટલેગરોએ પણ અલગથી ‘સેક્શન’ (હપ્તો)ચૂકવતો હોય છે. હવે જે રીતે પાછલા અમુક સમયથી કચ્છભરમાંથી અલગ અલગ વિસ્તારોમાથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો ત્રાટકી રહી છે તે જોતા તો કયાંક ને કયાંક અહી જામેલી ચર્ચા સાચી જ થતી જોવાઈ રહી છે. જો ખરેખર આ વાત સત્ય હોય તો ખાખીના અમુક ભ્રષ્ટ તત્વોના ઈશારે આ રીતે લીકરમાફીયાઓની વકરી ગયેલી સિન્ડીકેટને તોડવી ખુબજ અનિવાર્ય બની રહી છે.
.................
ભુજ અને ખાવડા માં મોટું સપ્લાય ચેઈનઃ નવઘણની ભૂમિકા
ગાંધીધામ : લાઈન મારફતે મોટા બુટલેગરો દારૂનો જંગી જથ્થો મંગાવતા હોય છે જે બાદમાં નાના નાના બુટલેગરોને તેનું કટીંગ કરી આપે છે. મોટા બુટલેગર એટલે પુનો અને અનોપ. વિવિધ લાઈનથી આ શખ્સો માલ મંગાવતા રહે છે અને પછી પોતાના મુખ્ય બુટલેગરોને તેનુ કટીંગ કરી આપતા હોય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્ય બુટલેગરો માલ ઉતાર્યા બાદ નાના પાયે સપ્લાય શરૂ કરે છે જેમાં ભુજમાં દરરોજ અંદાજે ૩૦૦ પેટી દારૂ નવઘણ દ્વારા વિવિધ પોઈન્ટ્સ પર પહોંચાડવામાં આવે છે. એટલુ માત્ર જ નહી પરંતુ સરહદી ખાવડા વિસ્તારમાં પણ દરરોજની ૩૦૦ પેટી મોકલવામાં આવતી હોવાનુ ચર્ચાય છે.
.........
ભુજના મુખ્ય પોઈન્ટ્સ..!
અન્ય વિસ્તારોમાં સપ્લાયર્સનું વર્ચસ્વ : અનોપ પોતાના નિર્ધારિત પોઈન્ટ્સ પર માલ પહોંચાડે છે અને તેનું આખું સંચાલન અલગ રીતે કરવામાં આવે છે.
ગાંધીધામ : ભુજ શહેરના મુખ્ય પોઈન્ટસમાં સંજોગ નગર, નાગર ચકલા, ભીડ ગેટ, ગણેશ નગર, રામનગર વિસ્તાર, લોટસ કોલોની, રામકૃષ્ણ નગર અને કેમ્પ એરિયાની આસપાસના જેવા વિસ્તારોમાં દારૂનું સપ્લાય નેટવર્ક ફેલાયેલું છે.માધાપર વિસ્તારમાં પણ થાય છે સપ્લાય.(નવઘણના જ છે બધાય પોઈન્ટ.)
...................
માંડવી-મુન્દ્રા (યુવરાજ ત્રગડીપટ્ટાવાળો) બેફામ
ગાંધીધામ : માંડવી-મુદરા પટ્ટામાં યુવરાજ એક જ કરોડોનો દારૂ મંગાવી શકે છે. યુવરાજ ત્રગડી પટ્ટાના માણસો, જેમાં અરવિંદ સહિતના ઈસમો સામેલ છે, તેઓ માંડવી અને મુન્દ્રાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ પોઈન્ટ્સ પર માલ સપ્લાય કરે છે.
.....................
નખત્રાણા, લખપત અને અબડાસા જીતીયાને છુટોદોર
ગાંધીધામ : પશ્ચિમ કચ્છના નખત્રાણા, અબડાસા, લખપત પટ્ટામાં વિસ્તારોમાં જીતીયાના માણસો સક્રિય છે, જ્યાં દરરોજની ૩૦૦ થી ૫૦૦ પેટી દારૂ સપ્લાય કરવામાં આવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Comments