ડ્રગ માફિયાઓ પર દિલ્હી પોલીસની સર્જિકલ સ્ટ્રાઈકઃ મુન્દ્રા પોર્ટ પરથી ૯ કરોડનો ‘મોતનો સામાન’ ઝડપાયા
ઘરવખરીના સામાનની આડમાં લંડન મોકલવામાં આવી રહેલી ૧૮ લાખથી વધુ નશીલી ગોળીઓ સાથે આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો પર્દાફાશ
ભુજ - કચ્છઉદય : દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નશાના આંતરરાષ્ટ્રીય કાળા કારોબાર સામે એક મોટી અને નિર્ણાયક કાર્યવાહી કરતા આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટની કમર તોડી નાખી છે. એક અત્યંત ગુપ્ત અને ચોક્કસ ઓપરેશન દ્વારા પોલીસે યુનાઇટેડ કિંગડમમાં સાયકોટ્રોપિક સબસ્ટન્સની દાણચોરી કરતા નેટવર્કનો ભાંડો ફોડ્યો છે. આ ઓપરેશન દરમિયાન ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર કસ્ટમ્સ વિભાગના સહયોગથી એક શંકાસ્પદ કન્ટેનરની તલાશી લેતા પોલીસને અંદાજે ૯ કરોડ રૂપિયાની કિંમતની પ્રતિબંધિત નશીલી ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર નેટવર્ક ભારતથી બ્રિટન સુધી નશીલી દવાઓની હેરાફેરીમાં સક્રિય હતું.આ સનસનાટીભર્યા ઓપરેશનની શરૂઆત દિલ્હીના મદનપુર ખાદર વિસ્તારમાં કરવામાં આવેલા દરોડાથી થઈ હતી. ક્રાઈમ બ્રાન્ચને મળેલી પ્રાથમિક બાતમી બાદ તપાસનો દોર આગળ વધતા સ્થાનિક સપ્લાયરથી લઈને લોજિસ્ટિક્સ, કુરિયર અને એક્સપોર્ટર સુધીની તમામ કડીઓ એક પછી એક ખુલતી ગઈ હતી. તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ સિન્ડિકેટ ઘરવખરીના સામાનની આડમાં નશીલી દવાઓને કન્ટેનરમાં છુપાવીને દરિયાઈ માર્ગે લંડન મોકલવાની પેરવીમાં હતું. જ્યારે ક્રાઈમ બ્રાન્ચને પાકી માહિતી મળી કે ડ્રગ્સનો આ જથ્થો મુન્દ્રા પોર્ટ સુધી પહોંચી ગયો છે, ત્યારે તાત્કાલિક કસ્ટમ્સ વિભાગ સાથે સંકલન સાધીને તપાસ હાથ ધરવામાં આવી હતી.મુન્દ્રા પોર્ટ પર અટકાવવામાં આવેલા કન્ટેનરની જ્યારે ઝીણવટભરી તપાસ કરવામાં આવી ત્યારે અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ઘરવખરીના સામાનના નીચેના ભાગમાં અત્યંત ચતુરાઈથી છુપાવવામાં આવેલી અંદાજે ૫૨૮ કિલોગ્રામ વજનની પ્રતિબંધિત ગોળીઓ મળી આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આ જથ્થામાં ટ્રામાડોલ, અલ્પ્રાજોલામ, નાઈટ્રાઝેપામ અને ઝોલ્પિડેમ જેવી નશાકારક દવાઓની કુલ ૧૮,૪૭,૪૦૦ ગોળીઓનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે ૮ થી ૯ કરોડ રૂપિયા હોવાનું આંકવામાં આવ્યું છે.આ મામલે અત્યાર સુધીમાં કુલ ૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ સિન્ડિકેટના અલગ-અલગ સ્તરો પર કાર્યરત હતા. પકડાયેલા શખ્સોમાં કોઈ માલના પેકિંગનું કામ સંભાળતું હતું તો કોઈ કસ્ટમ્સ ક્લિયરન્સ અને લોજિસ્ટિક્સની જવાબદારી નિભાવી રહ્યું હતું. આ કેસનો એક મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે, જેને જાહેર ગુનેગાર જાહેર કરવાની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે. દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી માત્ર ડ્રગ્સની જપ્તી નથી, પરંતુ યુવા પેઢીને નશાના માર્ગે ધકેલનારા નેટવર્ક પર સીધો પ્રહાર છે. હાલ પોલીસ પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે જેથી આ કાળા વ્યવસાયમાં સંડોવાયેલા અન્ય મોટા માથાઓ સુધી પહોંચી શકાય.

Comments