કચ્છ યુનિવર્સિટી ખાતે વહીવટી સ્ટાફ માટે વન-ડે વર્કશોપનું આયોજન
નવી શિક્ષણ નીતિ અને ડિજિટલ ગવર્નન્સ દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકતા નિષ્ણાતો
ભુજ - કચ્છઉદય : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં યુનિવર્સિટી કેમ્પસ ખાતે એક વિશેષ કાર્યશાળા સંપન્ન થઈ હતી. એમ્પાવરિંગ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ ફોર એનઈપી ૨૦૨૦ એન્ડ ગવર્નન્સ રિફોર્મ્સ થ્રુ ડિજિટલ, લીગલ એન્ડ બિહેવિયરલ કોમ્પિટન્ટ વિષય પર આધારિત આ એક દિવસીય વર્કશોપનું આયોજન કુલપતિ ડો. મોહન પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં ડો. અનિલ ગોરે તમામ મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, આ વર્કશોપ કચ્છ યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજોના વહીવટી કર્મચારીઓ માટે આધુનિક સમયમાં અત્યંત ઉપયોગી સાબિત થશે. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા વર્કશોપના કો-ઓર્ડિનેટર ડો. તેજલ જે. શેઠ દ્વારા રજૂ કરવામાં આવી હતી.
આ કાર્યશાળામાં વિવિધ વિષય નિષ્ણાતો દ્વારા તકનીકી અને વહીવટી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રોફેસર ડો. અતુલ ગોસાઈએ વહીવટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કાર્યને કેવી રીતે સરળ, કાર્યક્ષમ અને ઝડપી બનાવી શકાય તે અંગે વિસ્તૃત સમજ આપી હતી. આ ઉપરાંત તેમણે સમર્થ ઈઆરપી, કોજેન્ટ અને જીકાસ જેવા ડિજિટલ પોર્ટલના માધ્યમથી વહીવટી પ્રક્રિયાઓના આધુનિકીકરણ અંગે કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. વહીવટી નિયમોની સ્પષ્ટતા કરતા ડો. રમેશદાન ગઢવીએ રોજિંદા કામકાજમાં એક્ટ અને સ્ટેચ્યુટ્સનું મહત્વ સમજાવ્યું હતું, જ્યારે ડો. પૌરવ કે. મહેતાએ નેક, એનઆઈઆરએફ અને જીએસઆઈઆરએફ જેવી રાષ્ટ્રીય કક્ષાની મૂલ્યાંકન પ્રક્રિયાઓને સચોટ રીતે પૂર્ણ કરવાની પદ્ધતિઓ વિશે માહિતી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન એક પેનલ ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડો. વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી, ડો. મહેશ બારડ, ડો. મૌલિક બારોટ, ડો. પૌરવ મહેતા અને ડો. ગૌરવ ચૌહાણે ભાગ લીધો હતો. આ પેનલ દ્વારા પ્રવેશ પ્રક્રિયા, પરીક્ષા સંચાલન અને વિદ્યાર્થી કાઉન્સેલિંગ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને પારદર્શક વહીવટ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. અમર મહેતા, ડો. રામ સોંદરવા, ડો. હર્ષદ નિર્મલ અને ડો. દ્રુમા વૈદ્ય દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતમાં સંકલ્પ એસ. વૈષ્ણવ દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી.
---------

Comments