Trending News
સ્થાનિક સમાચાર

અંજાર વર્તુળ કચેરી દ્વારા કરોડોની બાકી ઉઘરાણી વસૂલવા કડક કાર્યવાહીના સંકેત

23 February


૨૫મી ફેબ્રુઆરીએ પૂર્વ કચ્છમાં પીજીવીસીએલની મેગા ડિસકનેક્શન ડ્રાઈવ : ૧૨૦થી વધુ ટીમો મેદાને ઉતરશે

અંજાર - કચ્છઉદય : પીજીવીસીએલની અંજાર વર્તુળ કચેરી હેઠળ આવતા વિવિધ કેટેગરીના વીજ ગ્રાહકો પાસે બાકી નીકળતી અંદાજિત રૂ. ૩૭ કરોડની માતબર રકમ વસૂલવા માટે તંત્ર દ્વારા આગામી ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મેગા ડિસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. નિગમિત કચેરીની સીધી સૂચના હેઠળ હાથ ધરાનારી આ ઝુંબેશમાં અંજાર વર્તુળ કચેરી હસ્તકના તમામ પેટા વિભાગીય વિસ્તારોને આવરી લેવામાં આવશે. આ ડ્રાઈવ અંતર્ગત રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક અને ખેતીવાડી ક્ષેત્રના જે ગ્રાહકોના વીજ બિલ બાકી છે, તેમના જોડાણો સ્થળ પર જ કાપી નાખવામાં આવશે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ડિસકનેક્શનની કામગીરી દરમિયાન સ્થળ પર કોઈ પણ પ્રકારના નાણાં સ્વીકારવામાં આવશે નહીં.
આ કામગીરીને વેગ આપવા માટે અંજાર વર્તુળ કચેરી હેઠળની ૧૩ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા ૧૨૦થી વધુ ખાસ ટીમોની રચના કરવામાં આવી છે. જે ગ્રાહકોના વીજ જોડાણ કાપવામાં આવશે, તેમણે ફરીથી પુરવઠો મેળવવા માટે સંબંધિત કચેરી ખાતે જઈ ૧૦૦ ટકા બાકી લેણાની રકમની ચુકવણી કરવાની રહેશે. આ ઉપરાંત, નિયમ મુજબ રી-કનેક્શન ચાર્જ અને જરૂરી ઈ-કેવાયસી દસ્તાવેજો પણ રજૂ કરવા પડશે. તંત્રએ ભારપૂર્વક જણાવ્યું છે કે અધૂરી રકમ સ્વીકારવામાં આવશે નહીં અને સંપૂર્ણ લેણું ભરાયા બાદ જ વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવશે.
વીજ ગ્રાહકોને અગવડતાથી બચવા માટે પીજીવીસીએલ દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેઓ ૨૫ તારીખ પહેલાં જ પોતાના બાકી વીજ બિલની ચુકવણી કરી દે. ગ્રાહકો સ્થાનિક કચેરી સિવાય ઓનલાઇન માધ્યમો જેવા કે પીજીવીસીએલની વેબસાઇટ, ગૂગલ પે, ફોન પે, એમેઝોન પે, યુપીઆઈ કે બેંકિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે. વીજ જોડાણ કપાવાની નામૂસીથી બચવા માટે તાત્કાલિક ધોરણે નાણાં ભરી સહકાર આપવા વીજ તંત્રના સૂત્રો દ્વારા જણાવાયું છે.
--------

Comments

COMMENT / REPLY FROM