Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ પાસે મોટી હોનારત ટળી : સામખીયાળી  ટોલપ્લાઝા નજીક ત્રિપલ અકસ્માતની ઘટના

23 February

ગેસ લીકેજ વચ્ચે જીવના જોખમે ડ્રાઈવરનું દિલધડક રેસ્કયું 



કચ્છ કલેકટરશ્રી ગંભીરતાથી વિચારે : ભચાઉ પ્રાંત સહિતનાઓને સોપે કડક કાર્યવાહી : ભચાઉ હાઈવે પર જીવતા બોમ્બ સમાન અતિ જવલંતશીલ કેમીકલના આડેધડ દોડતા કન્ટેઈનરો-ટેન્કરોમાં નિયમોની અમલવારી કરાવી જરૂરી : પાછલા ટુંકા ગાળામાં ચકાસવામં આવશે તો કેમીકલ ભરી લઈ જતા કન્ટેઈનરોના લીધે ટ્રાફીક જામ સહિતની ઘટનાઓના બની ચુકય છે સિલસિલા 

ડ્રાયવર પણ આવા કેમીકલની હેરફેર માટે નિપુણ અને કવોલીફાઈડ જોઈએ છે, કેટલાક કન્ટેનરોમાં આ રીતના કવોલીફાઈડ ડ્રાયવરો હોય છે? તપાસ કરો નહી તો મોટી હોનારત ટકોરા મારી જ રહી છે..!



શાબાશ છે, ભચાઉ ફાયર વિભાગની ટીમને, ૩ કલાક સુધી સતત જાનના જોખમે બચાવ ઓપરેશન હાથ ધરી ડ્રાયવરને ઉગાર્યો અને ગેસ લીકેજ અટકાવી દેવાતા હોનારત ટળી જતા કઈકના જીવ પણ બચાવી લીધા



ગાંધીધામ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં થયેલા ઔદ્યોગિક અને બંદરીય વિકાસની સાથે જ ધોરીમાર્ગો પર જોખમી અને જ્વલનશીલ પદાર્થો ભરેલા વાહનોની અવરજવરમાં તોતિંગ વધારો થયો છે. જોકે, આ વિકાસની સાથે માર્ગ સલામતી અને સાવચેતીના મુદ્દે જોવા મળી રહેલી ઉદાસીનતા અવારનવાર મોટી દુર્ઘટનાઓને નોતરી રહી છે. આજે વહેલી સવારે સામખિયાળી ટોલ પ્લાઝા નજીક આવી જ એક ભયાનક ઘટના ઘટી હતી, જેમાં ગેસ ભરેલા ટેન્કર સહિત ત્રણ વાહનો એકબીજા સાથે અથડાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ગેસ ટેન્કરમાં લીકેજ શરૂ થયું હતું અને એક ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો, જેને ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરી ઉગારી લીધો હતો.
આ ઘટનાની વિગતો મુજબ, આજે સવારે આશરે ૭ વાગ્યાના અરસામાં સામખિયાળી ટોલ પ્લાઝા પાસે આવેલી આરટીઓ ચેકપોસ્ટ નજીક ત્રણ વાહનો વચ્ચે સાંકળ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇન્ડિયન ગેસ ભરેલા એક ટેન્કર પાછળ ટ્રેલર અને તેની પાછળ અન્ય એક ગેસ ટેન્કર અથડાયું હતું. ટ્રીપલ અકસ્માતને પગલે એક ટેન્કરમાંથી ગેસ લીકેજ 
શરૂ થતા હાઇવે ‘જીવતા બોમ્બ’ સમાન બની ગયો હતો. આ દરમિયાન પાછળ રહેલી ટ્રકનો ચાલક કેબિનના ભાગે જોરદાર ફટકો વાગવાને કારણે અંદર જ ફસાઈ ગયો હતો. ભચાઉ ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ભચાઉ ફાયર ટીમ
 તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિની ગંભીરતાને જોઈ પ્રથમ અગ્રતા ગેસ લીકેજ રોકવા અને ફસાયેલા ડ્રાઈવરને બચાવવા માટે 
આપી હતી. ફાયર ફાઈટરોએ અદભૂત સૂઝબૂઝ વાપરી લાકડાનો બુચ બનાવીને ગેસ લીકેજને સફળતાપૂર્વક બંધ કર્યું હતું, જેના કારણે સંભવિત મોટી વિસ્ફોટક દુર્ઘટના ટળી હતી. બીજી તરફ, કેબિનમાં ગંભીર રીતે ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવા માટે સતત ૩ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંતે ભારે જહેમત બાદ ડ્રાઈવરને જીવિત અવસ્થામાં બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયો હતો.
આ કપરી કામગીરી દરમિયાન હાઇવે પર બંને તરફનો ટ્રાફિક આશરે ૨ કલાક સુધી રોકી દેવામાં આવ્યો હતો જેથી સુરક્ષા જળવાઈ રહે. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનમાં ભચાઉ ફાયર ટીમના લીડર પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહ જોડાયા હતા. આ ઉપરાંત ટોલ પ્લાઝાના સ્ટાફમાંથી રામી સાહેબ, હિતેન્દ્રસિંહ અને અન્ય કર્મચારીઓ તેમજ પોલીસ કાફલાએ ઘટનાસ્થળે હાજર રહી પૂરતો સહયોગ આપ્યો હતો. કચ્છના ધોરીમાર્ગો પર વધતા આવા અકસ્માતો હવે ચિંતાનો વિષય બન્યા છે, ત્યારે તંત્ર દ્વારા જ્વલનશીલ પદાર્થોની હેરાફેરી કરતા વાહનો માટે કડક સુરક્ષા નિયમોનું પાલન કરાવવું અનિવાર્ય બન્યું છે.

Comments

COMMENT / REPLY FROM