સાયબર માફિયાઓનો કચ્છમાં આતંકઃ ટેકનોલોજીના ઓઠા હેઠળ છેતરપિંડીના બનાવો વધ્યા
ડિજિટલ એરેસ્ટ અને ડીપફેકના માધ્યમથી કચ્છી માડુઓને બનાવાય છે નિશાને : આવી ટોળકીઓથી સાવધાન રહેવા પોલીસની અપીલ
ભુજ - કચ્છ ઉદય : સરહદી જિલ્લા કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ટેકનોલોજીના દુરુપયોગ દ્વારા આચરવામાં આવતા સાયબર ગુનાઓના પ્રમાણમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભુજ, ગાંધીધામ અને અંજાર જેવા શહેરી વિસ્તારોમાં શિક્ષિત લોકો પણ હવે શાતિર ભેજાબાજોની જાળમાં ફસાઈ રહ્યા છે. હાલમાં સૌથી વધુ ચર્ચિત એવા ’ડિજિટલ એરેસ્ટ’ના કિસ્સાઓએ સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાવ્યો છે. આ પ્રકારની છેતરપિંડીમાં ગુનેગારો પોલીસ, સીબીઆઈ કે નાર્કોટિક્સ વિભાગના અધિકારી બનીને પીડિતને વીડિયો કોલ કરે છે. કલાકો સુધી પીડિતને વીડિયો કોલ પર બંધક જેવી સ્થિતિમાં રાખી, કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ડરાવવામાં આવે છે અને અંતે પતાવટના નામે લાખો રૂપિયા પડાવી લેવામાં આવે છે. કચ્છના ભોળા નાગરિકો કાયદાકીય ગૂંચવણથી ડરીને પોતાની જમાપુંજી ગુમાવી બેસે છે.
આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ હવે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ રહ્યું છે. કચ્છમાં પણ ડીપફેક ટેકનોલોજી દ્વારા છેતરપિંડીના કિસ્સા સામે આવી રહ્યા છે, જેમાં સંબંધીઓના આબેહૂબ અવાજ કે ચહેરાનો ઉપયોગ કરી તાત્કાલિક પૈસાની માંગણી કરવામાં આવે છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પરથી ફોટા મેળવી તેના અશ્લીલ વીડિયો બનાવીને પ્રતિષ્ઠિત નાગરિકોને બ્લેકમેલ કરવાનું મોટું નેટવર્ક સક્રિય થયું છે. આ સાથે જ ’વર્ક ફ્રોમ હોમ’ કે ’પાર્ટ ટાઈમ જોબ’ના નામે ચાલતા કૌભાંડોમાં પણ અનેક કચ્છી યુવાનો પાયમાલ થઈ રહ્યા છે. માત્ર યુટ્યુબ વીડિયો લાઈક કરવા કે રેટિંગ આપવાના બદલામાં શરૂઆતમાં નાની રકમ આપી વિશ્વાસ જીત્યા બાદ, મોટી રકમના રોકાણ કરાવીને લાખો રૂપિયા ઓળવી જવાની મોડસ ઓપરેન્ડીએ અનેક પરિવારોની દિવાળી બગાડી છે. સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા કચ્છના નાગરિકોને અજાણ્યા નંબર પરથી આવતા વીડિયો કોલ ન ઉપાડવા અને કોઈ પણ લાલચમાં આવી નાણાકીય વ્યવહાર ન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે. ઓનલાઇન ઠગાઈ કે સાયબર ક્રાઇમ જણાઈ આવે તો તાત્કાલિક પોલીસ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરવો જોઈએ.

Comments