હવે એસએમસી પૂર્વમાં ત્રાટકી : વોંધ પાસેથી દારૂનો જંગી જથ્થો ઝડપાયો : અમુક ભ્રષ્ટ ખાખીમાં ફફડાટ
એસએમસીએ ત્રણ દિવસમાં કચ્છમાં દારૂના વેપલા પર બીજી કાર્યવાહી કરી, મહિનામાં ચોથી : વોંધ પાસે મીઠાના અગરના રસ્તે ફસાયેલી ટ્રકમાંથી લાખોનો દારૂ ઝડપાયો
એસએમસી આ પ્રકારના દારૂના કેસોની તપાસ પોતા પાસે જ રાખે તે ઈચ્છનીય : સ્થાનિકે સોપી દેવામા આવશે તો કુલડીમાં ગોળ ભંગાતા વાર નહી થાય? : જાણકારોનો ઈશારો
પોલીસને થાપ આપવા નિર્જન રસ્તાનો સહારો લેતા બુટલેગરોની યોજના પર એસએમસીએ ફેરવ્યું પાણીઃ અંધારાનો લાભ લઈ આરોપીઓ ફરાર
ખાટલે મોટી ખોટ : દારૂ મંગાવનાર કોણ હતા? દારૂ મોકલાવ્યો કોણે હતો? આ જ રૂટથી અગાઉ કેટકેટલી વખત આ જ રીતે અસામાજીક બદી-દુષણ રૂપ દારૂ કેટલો ઠલવાઈ ગયો? તે સહિતના સવાલોનો જવાબ આવા કિસ્સાઓમાં સામે આવશે ખરો?
એસએમસીના સતત સપાટાનું રહસ્ય શું : ખાખી-બુટલેગરોની ભાગબટાઈનો ડખ્ખો કે અન્ય કંઈ? કચ્છમાં એક પછી એક સતત એસએમસી તવાઈ બોલાવી રહી છે, સફળ કેસો કરી રહ છે, શું તેમને ખરેખર કાર્યવાહી કરવા માટેની બાતમીઓ મળી રહી છે એટલે જ કાર્યવાહી થઈ રહી છે કે, પછી કચ્છમાં વકરી ગયેલા ખાખી-બુટલેગરોની ભ્રષ્ટ સિન્ડીકેટમાં ભાગબટાઈની ભાંજગડના ડખ્ખાઓ વધી ગયા છે એટલે કયાંક ને કયાંક એક -બીજા બુટલેેગર ગ્રુપોની દવાઓ કરવા માટે જ એસએમસી સુધી સચોટ બાતમીઓ પહોચી રહી છે? જો એમ હોય તો કયા બુટલેગરનો દારૂ પકડાય છે અને કયો બુટલેગર તથા ખાખીના ભ્રષ્ટ વહીવટદારો તે પકડાવી રહ્યા છે?
પૂર્વ કચ્છમાં માત્ર એલસીબી પીઆઈની બદલી કરાઈ, પરંતુ વરસોથી એલસીબીમાં ચીટકીને બેઠલાઓને કેમ સરહદ ન દેખાડાઈ ? એસએમસી ત્રાટકી જાય તો અલસીબી શું કરી રહી છે? પશ્ચીમ કચ્છમાં એલસીબી પર ગાજ વરસાવી, તો પૂર્વમાં કેમ નહી?
કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રીની સાયબર સેલની ટુકડી પણ કેમ અજાણ રહી જાય છે? એસએમસીના ઉપરાછાપરી પડી રહેલા દરોડા ચિંતાજનક જ કહેવાય.!
ભચાઉ - કચ્છ ઉદય : કચ્છ જિલ્લો ફરી એકવાર દારૂબંધીના કડક અમલ વચ્ચે ચર્ચામાં આવ્યો છે. ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી ભચાઉ તાલુકાના વોંધ ગામના સીમાડે મીઠાના અગર પાસે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.મળતી વિગતો મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભચાઉના વોંધ પાસે આવેલા મીઠાના અગર તરફ જતા કાચા અને અંતરિયાળ રસ્તા પર એક શંકાસ્પદ ટ્રક
પસાર થઈ રહી છે. બાતમીના આધારે એસએમસીની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન, દારૂ ભરેલી આ ટ્રક રસ્તાની રેતાળ જમીનને કારણે ત્યાં ફસાઈ ગઈ હતી. પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ટ્રકમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતા ટ્રકમાંથી અંદાજે ૫૦૦ પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
જોકે, પોલીસના આગમનની ભનક લાગતા જ ટ્રક ચાલક અને અન્ય શખ્સો અંધારાનો અને નિર્જન વિસ્તારનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. હાલમાં એસએમસી દ્વારા લાખોની કિંમતનો દારૂ અને ટ્રક કબજે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે વહેલી સવારે એસએમસીની ટીમે ભુજ તાલુકાના વડવાળા ગામની સીમમાં બંધ પ્લાન્ટમાં કટીંગ થતો ૪ કરોડનો દારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં ભુજના કુખ્યાત બુટલેગર નવઘણ સહિતના નામ સામે આવ્યા હતા. હજુ આ બુટલેગરો પકડાયા નથી. રાજ્ય પોલીસ વડા બે દિવસ કચ્છમાં આવી દારૂનું નેટવર્ક તોડવામાં આવશે તેમ કહીને ગયા ત્યાં ત્રણ દિવસમાં બીજી વખત એસએમસીએ વોંધ પાસે દરોડો પાડી દારૂ ઝડપી પાડ્યો છે. આ અગાઉ ચાલુ માસમાં વરસાણા પાસે હોટલના પાર્કિંગમાંથી અને માળિયા પાસે સામખિયાળી આવતો દારૂ પકડાયો હતો. ચાલુ મહિનામાં એસએમસીએ કચ્છમાં દારૂ પર ચોથી કાર્યવાહી કરતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.ત્રણ દિવસમાં બીજી વખત એસએમસીએ વોંધ પાસે દરોડો પાડી દારૂ ઝડપી પાડ્યો છે. આ અગાઉ ચાલુ માસમાં વરસાણા પાસે હોટલના પાર્કિંગમાંથી અને માળિયા પાસે સામખિયાળી આવતો દારૂ પકડાયો હતો. ચાલુ મહિનામાં એસએમસીએ કચ્છમાં દારૂ પર ચોથી કાર્યવાહી કરતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
...........................................
એસએમસી સફળ દરોડા પાડે છે, તો સ્થાનિક પોલીસ-
ડી સ્ટાફ શું કરે છે? તેમની મંજુરી વિના કંઈ થાય ખરૂ?
ગાંધીધામ : કચ્છમાં સ્ટેટ મોનીટરીગ સેલની ટુકડી એક બાદ એક સફળ દરોડા પાડી અને દારૂના ધંધાર્થીઓ પર વજ્રઘાત જ કરી રહી છે ત્યારે જાણકારો સવાલ કરી રહયા છે કે ગાંધીનગરમાં બેઠા બેઠા એસએમસીની ટીમને આ ચોકકસ બાતમીઓ મળી રહી છે, સફળતાથી તેઓ દરોડા પાડી રહ્યા છે, તો પછી સ્થાનિક સબંધીત પોલીસને તેની ગંધ કેમ નથી આવતી? તેઓ શું કરી રહ્યા છે? જે વિસ્તારમાં રેઈડ પડી છે તે વિસ્તારના ડી સ્ટાફના જવાબદારો શું કરી રહ્યા છે? શું તેમની અજાણતાથી આટઆટલો મોટો દારૂ કચ્છમાં ઠલવાઈ શકે છે ખરો?
......................
પશ્ચિમ કચ્છમાં બુટલેગરોને અમુક ભ્રષ્ટ ‘ખાખીનું’ ‘તેડું’ : સાંજે ગુપ્ત બેઠકની ચર્ચા
ભુજ-માધાપર પંથકમાં દારૂના ધંધાને ધમધમતો રાખવા સિન્ડિકેટ અને ખાખીધારીઓ વચ્ચે ‘પડિકા’ના ખેલની આશંકા
ભુજ : સરહદી જિલ્લા કચ્છમાં પ્રોહિબિશનની અમલવારી વચ્ચે પશ્ચિમ કચ્છમાં પોલીસ અને બુટલેગરો વચ્ચેની સાંઠગાંઠની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખાસ કરીને ભુજ અને માધાપર સહિતના આસપાસના વિસ્તારોમાં દારૂના હાટડા ચલાવતા બુટલેગરોને અમુક ભ્રષ્ટ ‘ખાખીનું’ ‘તેડું’ મોકલવામાં આવ્યું હોવાની વાતો વહેતી થઈ છે.સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર, આજે સાંજે પશ્ચિમ કચ્છના અમુક ચોક્કસ બુટલેગરો અને પોલીસ બેડાના કેટલાક કથિત ભ્રષ્ટ તત્વો વચ્ચે એક ખાનગી સ્થળે બેઠક યોજાવાની ચર્ચા છે. આ બેઠકમાં આગામી દિવસોમાં દારૂના વેપારને નિર્વિઘ્ને ચલાવવા અને હપ્તાખોરીના ‘પડિકા’ (નાણાકીય લેવડદેવડ) બાબતે ગંભીર ચર્ચાઓ થઈ હોવાનું મનાય છે.આજની આ કથિત બેઠક બાદ પોલીસ વિભાગના આ ભ્રષ્ટ તત્વો શું નવો ‘રાંધ’ રાંધે છે (શું નવો પ્લાન બનાવે છે), તે તરફ સૌની મીટ મંડાઈ છે. શું આ બેઠક બાદ દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડશે કે પછી ઉચ્ચ અધિકારીઓ આ મામલે કોઈ કડક કાર્યવાહી કરશે? તે જોવું રહ્યું.
...................
નિષ્ઠાવાન અધિકારી અમુક તત્વોને જિલ્લા બહાર બદલાવે છે તે ફરી ફરીને કેમ ત્યાં જ ગોઠવાઈ જાય છે?
કચ્છમાં પણ એક આઈજીશ્રી અમુક તત્વોને જિલ્લા બહાર બદલે, તો આવા તત્વો ટુંક જ સમયમાં ફરીથી એ જ જિલ્લામાં ગોઠવણીઓ કરીને આવી જાય છે, જયા સુધી આવા તત્વોને દુર નહી કરાય ત્યાં સુધી બેનામી ધંધાઓ અટકાવી શકાશે નહી
કચ્છમાં તો જયારે આઈજી પદે શ્રીમોથાલીયા સેવારત હતા ત્યારે તેઓએ તો નામજોગ અમુક કર્મીઓના ઓર્ડર કરી અને લખ્યુ હતુ કે, આ તમામને સાયબર ક્રાઈમ, એસઓજી, એલસીબી, ઉપરાંત સંવેદનશીલ મથકો પર નિમણુંકો ન આપવી..તો તેની અમલવારી વર્તમાન સમયે પણ થાય છે ખરી..?
ગાંધીધામ : કચ્છમા દારૂની બદી વકરી રહી છે. ઉચ્ચ અધિકારીઓ કડક અને તટસથ્ હોવા ઉપરાંત પણ આ દુષણ જો વકરી રહ્યુ હોય તો તેના મુળીયાઓ ચકાસવા જ ઘટે. જાણકારો કહે છે કે, જે પોલીસવાળાઓને આઈજીપીશ્રી જિલ્લા બહાર બદલાવવાના ઓર્ડરો કરે છે તે ફરી ફરીને કેવી રીતે કચ્છમાં ગોઠવાઈ જાય છે? આવા લોકોને કચ્છમાથી બહાર નહી કાઢવામા આવે ત્યા સુધી આ ભ્રષ્ટ પોલીસનું સામ્રાજય બરકરાર જ ચાલતુ રહેશે.એટલુ માત્ર જ નહી પણ અગાઉના આઈજીપીએ તો નામજોગ લીસ્ટ બનાવી અને પેાલીસ વડાઓને આપેલુ હતુ જેમા નિર્દેશ હતો કે આ સુચી-યાદી વાળા પોલીસવાળાઓને જિલ્લાની મુખ્ય શાખાઓ ઉપરાંત સંવેદનશીલ પોલીસ મથકો પર નિયુકિત ન આપવી. આ યાદી વાળાને કોઈ મહત્વનુ પદ આપવું જ નહી. પરંતુ આ તત્વો તો ભ્રષ્ટાચારી, એટલે ફરીથી મહત્વના પદે ગોઠવાઈ જ ગયા છે.

Comments