Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં બાકી વીજ બિલ વસૂલવા વીજ તંત્ર લાલઘૂમ : ૫૫ હજારથી વધુ ગ્રાહકોના જોડાણો થશે કટ

22 February




અંજાર અને ભુજ સર્કલમાં ૧૪૦ ગ્રાહકો પાસે એક લાખથી વધુનું લેણું :  બુધવારથી મેગા ડિસકનેક્શન ડ્રાઈવ અંતર્ગત તંત્રની ટીમો મેદાને ઉતરશે



ભુજ - કચ્છઉદય : કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ ૧૨ જિલ્લાઓમાં આગામી બુધવારથી પીજીવીસીએલ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે મેગા ડિસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છ જિલ્લા પર તંત્રની ખાસ નજર રહેવાની છે. કચ્છમાં વીજ બિલ ન ભરનારા ગ્રાહકોનો આંકડો મોટો છે, જેને પગલે વીજ તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવા માટે સર્કલ અને સબ ડિવિઝન વાઈઝ યાદીઓ તૈયાર કરી દેવામાં આવી છે. સમગ્ર હાલતમાં સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે જિલ્લામાં હજારો ગ્રાહકો એવા છે જેમણે લાંબા સમયથી પોતાના વીજ બિલની ચૂકવણી કરી નથી.
કચ્છ જિલ્લાના આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો, જિલ્લામાં કુલ ૫૪,૫૫૩ જેટલા ગ્રાહકો એવા છે જેમનું વીજ બિલ ૨૫ હજાર રૂપિયાથી ઓછું બાકી છે. જ્યારે મધ્યમ કદના બાકીદારોમાં ૫૮૩ ગ્રાહકો પાસે ૨૫ હજારથી ૫૦ હજાર સુધીનું લેણું નીકળે છે. ૧૮૩ ગ્રાહકો એવા છે જેમનું બિલ ૫૦ હજારથી એક લાખની વચ્ચે છે. સૌથી વધુ ગાજવીજ જેમના પર થવાની શક્યતા છે તેવા ૧૪૦ મોટા ગ્રાહકો પાસે એક લાખ રૂપિયાથી પણ વધુની રકમ વસૂલવાની બાકી છે. આમ, કુલ મળીને કચ્છના ૫૫ હજારથી વધુ વીજ ગ્રાહકો અત્યારે વીજ કંપનીના રડારમાં આવી ગયા છે.
માત્ર બાકી બિલ જ નહીં, પણ વીજ ચોરીના મામલે પણ તંત્ર દ્વારા ગત જાન્યુઆરી માસમાં કડક તપાસ કરવામાં આવી હતી. જેમાં અંજાર સર્કલ હેઠળના ૩૩૨ સ્થળોએ તપાસ કરતા ૧૬૨.૦૩ લાખની વીજ ચોરી પકડાઈ હતી, જ્યારે ભુજ સર્કલના ૩૩૨ સ્થળોએથી ૧૭૬.૫૩ લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. આ ઝુંબેશને વધુ તેજ બનાવવા માટે વીજ તંત્ર દ્વારા ટીમોની રચના કરવામાં આવી છે. જે ગ્રાહકો આગામી પાંચ દિવસમાં પોતાના બાકી બિલોની ભરપાઈ નહીં કરે, તેમના જોડાણો કોઈપણ શેહશરમ રાખ્યા વગર કાપી નાખવામાં આવશે. આ મેગા ડ્રાઈવમાં રહેણાંક ઉપરાંત ઉદ્યોગો અને ખેતીવાડીના કનેક્શનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાથી ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વીજ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જોડાણ કપાયા બાદ ગ્રાહકોએ માત્ર બાકી રકમ જ નહીં પણ રી-કનેક્શન ફી પણ ભરવી પડશે, તેથી વહેલી તકે બિલ ભરી દેવા તાકીદ કરવામાં આવી છે.

Comments

COMMENT / REPLY FROM