Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ કચ્છમાં ૨૮૮ કનેક્શનમાં વીજચોરી પકડાતા ૧.૭૧ કરોડનો દંડ ફટકારાયો

21 February


ભુજ સહિત ૧૧ પેટા વિભાગીય કચેરીઓ હેઠળ ૨૯ ટીમો દ્વારા ૩૪૪૭ વીજ જોડાણોનું સઘન ચેકિંગ હાથ ધરાયું


ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છના ભુજ વર્તુળ કચેરી હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં વીજચોરી ડામવા માટે પીજીવીસીએલ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ગત તારીખ ૧૬ થી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન સતત છ દિવસ સુધી ચાલેલી આ કામગીરીમાં વીજ કંપનીની ટીમોએ આક્રમક વલણ અપનાવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત ભુજ શહેર, ભુજ ગ્રામ્ય, કુકમા, મુન્દ્રા, માંડવી, નખત્રાણા, દયાપર, કોઠારા, ખાવડા, દેશલપર અને ભુજોડી સહિતના વિસ્તારોમાં વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી.
આ કામગીરી માટે વીજ કંપની દ્વારા ૨૯ જેટલી વિશેષ ચેકિંગ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોએ નિર્ધારિત સમયગાળા દરમિયાન કુલ ૩૪૪૭ જેટલા ઘરવપરાશ, વાણિજ્ય, ઔદ્યોગિક અને ખેતીવાડી ક્ષેત્રના વીજ જોડાણોનું સ્થળ પર જઈને બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ તપાસ દરમિયાન ૨૮૮ વીજ જોડાણોમાં વ્યાપક ગેરરીતિ અને વીજચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. ગેરરીતિ બદલ વીજ કંપની દ્વારા સંબંધિત ગ્રાહકોને કુલ ૧૭૧.૦૬ લાખ રૂપિયાના દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યા છે. પીજીવીસીએલની આ કડક કાર્યવાહીથી વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી સમયમાં પણ આવી ઝુંબેશ ચાલુ રાખવાની સંકેતો આપવામાં આવ્યા છે.
------- 

Comments

COMMENT / REPLY FROM