Trending News
સ્થાનિક સમાચાર

ખનીજ માફિયાઓ પર તંત્રનો સપાટો : ખાવડા-ધ્રોબાણા રોડ પરથી ૪ કરોડનો મુદ્દામાલ જપ્ત

21 February




ઓવરલોડ પરિવહન કરતા ૧૧ ડમ્પરો ઝડપી પાડી કડક કાર્યવાહી હાથ ધરાઈ

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃત્તિઓને ડામવા માટે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહીનો દોર યથાવત રાખવામાં આવ્યો છે. ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરતા ખાણ ખનીજ વિભાગે આજે વધુ એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. કચ્છ કલેક્ટર આનંદ પટેલની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગના દેવેન્દ્રસિંહ બારીયાની ટીમે બાતમીના આધારે ખાવડા-ધ્રોબાણા રોડ પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન પાસ-પરમિટમાં દર્શાવેલ મર્યાદા કરતા વધુ ખનીજ ભરીને જઈ રહેલા કુલ ૧૧ ઓવરલોડ ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં માટી, મોરમ, લાઇમસ્ટોન અને બ્લેકટ્રેપ જેવા ખનીજોના ગેરકાયદેસર પરિવહન બદલ તમામ ડમ્પરો સીઝ કરી અંદાજે ૪ કરોડ રૂપિયાનો જંગી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ દરોડામાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કર અને ખુશાલી ગરવા સહિત માઇન્સ સુપરવાઈઝર આશિષ પટેલ, હર્ષદ પ્રજાપતિ, જય કુંડારીયા તેમજ સર્વેયર જીતેન્દ્ર પંડ્યા અને સોયબ રાયમા સહિતની ટીમ જોડાઈ હતી. પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગની આ આક્રમક અને સતત ચાલી રહેલી કાર્યવાહીને પગલે જિલ્લાના ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર ખનન અને પરિવહન રોકવા માટે આ ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવશે તેવા સંકેતો તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે.
--------------- 

Comments

COMMENT / REPLY FROM