Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ સહિત અમદાવાદ મંડળમાં ટ્રેન પુલિંગની ઘટનાઓ વધી

21 February


ગાંધીધામ, અમદાવાદ જેવા સ્ટેશનો પર એલારામ ચેન પુલિંગની ઘટનાઓ તુલનાત્મક વધુ નોંધાઈ

ગાંધીધામ - કચ્છઉદય : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન કુલ ૪૮૪ એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ હતી. તેમાંથી ૪૪૯ કેસોમાં નિયમિત રીતે કેસ નોંધવામાં આવ્યા હતા, જ્યારે બાકીના કેસોમાં પ્રાથમિક તપાસ બાદ કાનૂની કારણોસર કેસ નોંધવામાં આવ્યા નહોતા.આ કેસોમાં કાર્યવાહી કરતાં રેલવે સુરક્ષા દળ દ્વારા ૪૦૮ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી તેમજ ૪૮,૭૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
અમદાવાદ મંડળનું રેલવે સુરક્ષા દળ યાત્રીઓની સુરક્ષા, રેલવે સંપત્તિની રક્ષા તથા સ્ટેશનો પર સુરક્ષિત વાતાવરણ જાળવી રાખવા માટે સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કાર્ય કરી રહ્યું છે.  સ્ટેશન સ્તરે અમદાવાદ, સાબરમતી, મણિનગર, મહેસાણા, વિરમગામ અને ગાંધીધામ ખાતે એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ તુલનાત્મક રીતે વધુ નોંધાઈ હતી. જ્યારે સેક્શન સ્તરે ગેરતપુર-અમદાવાદ, અમદાવાદ-વિરમગામ, ઉંઝા-પાલનપુર, સામખિયાળી-ભુજ તેમજ અમદાવાદ-સાબરમતી ખંડોમાં વધુ ઘટનાઓ સામે આવી હતી, જ્યાં આરપીએફ દ્વારા વધારાની દેખરેખ તથા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યા હતા. એલાર્મ ચેન પુલિંગના મુખ્ય કારણોમાં ખોટી ટ્રેન અથવા કોચમાં ચડી જવું, સામાન રહી જવું અથવા સહપ્રવાસી રહી જવા જેવી પરિસ્થિતિઓ મુખ્યરૂપે નોંધાઈ હતી. આ કારણોને ધ્યાનમાં રાખીને આરપીએફ દ્વારા મુસાફરોને જાગૃત કરવા માટે નિયમિત અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે તેમજ રેલવે કર્મચારીઓ સાથે વધુ સારું સમન્વય સ્થાપિત કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત આશ્રમ એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ, અલા હજરત એક્સપ્રેસ, અરાવલી એક્સપ્રેસ અને લોકશક્તિ એક્સપ્રેસ જેવી કેટલીક ટ્રેનોમાં એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ તુલનાત્મક રીતે વધુ નોંધાઈ હતી, જેના પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. રેલવે પ્રશાસન તથા આરપીએફ મુસાફરોને અપીલ કરે છે કે એલાર્મ ચેનનો ઉપયોગ માત્ર આપાતકાલીન પરિસ્થિતિમાં જ કરે. અનાવશ્યક એલાર્મ ચેન પુલિંગ ન માત્ર ટ્રેન પરિચાલનમાં વિક્ષેપ ઉભો કરે છે, પરંતુ અન્ય મુસાફરોની સુરક્ષા અને સુવિધાને પણ અસર કરે છે.
-------------

Comments

COMMENT / REPLY FROM