કચ્છ યુનિ.ના જીયોલોજી વિદ્યાર્થીઓનું ઉદયપુર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સ્તરના ૧૪મા જીયોયુથમાં ઉજ્જવળ પ્રદર્શન
ભુજ - કચ્છઉદય : ૧૯૫૦માં સ્થાપિત થયેલ મોહનલાલ સુખાડિયા યુનિવર્સિટી, ઉદયપુરના જીયોલોજી વિભાગ દ્વારા દોઢ દાયકાથી ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ સિમ્પોઝિયમ ઓન જીયોલોજી (જેને જીયોયુથ તરીકે ઓળખવામાં આવે છે) યોજાય છે. આ ઇવેન્ટમાં ભારતભરમાંથી જીયોલોજી વિષયના પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી વિદ્યાર્થીઓ ભાગ લે છે અને પોતાના સંશોધનને પોસ્ટર તથા ઓરલ પ્રેઝન્ટેશનના રૂપમાં રજૂ કરે છે.
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની વાત કરીએ તો જીયોલોજીના વિદ્યાર્થીઓ છેલ્લા ૧૫ વર્ષથી આ કોન્ફરન્સમાં ભાગ લઈને પોતાના રિસર્ચને રજૂ કરે છે અને દર વર્ષે બેસ્ટ ઓરલ કે પોસ્ટર પ્રેઝન્ટેશનનો એવોર્ડ પણ પ્રાપ્ત કરે છે. વળી, જીયોલોજીના પ્રાધ્યાપકો દ્વારા દેશભરના યંગ જીયોલોજિસ્ટ્સને ગેસ્ટ લેક્ચર પણ આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ની વાત કરીએ તો, તારીખ ૧૯ થી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન ૧૪મું ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ સિમ્પોઝિયમ ઓન જીયોલોજી (એટલે કે ૧૪મું જીયોયુથ) યોજાયું હતું, જેમાં આખા ભારતભરમાંથી ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, કચ્છ યુનિવર્સિટીમાંથી ૧૦થી વધુ જીયોલોજી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિવિધ વિષયો પર જીયોલોજીના અધ્યાપક ડૉ. ગૌરવ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તૈયારી કરીને પોતાનું સંશોધન રજૂ કર્યું હતું.
આ કોન્ફરન્સની શરૂઆત કચ્છ યુનિવર્સિટીના જીયોલોજી વિભાગના પ્રાધ્યાપક ડૉ. ગૌરવ ડી. ચૌહાણના ગેસ્ટ કીનોટ લેક્ચરથી થઈ હતી, જેમાં ડૉ. ચૌહાણે દેશભરના વિદ્યાર્થીઓને પશ્ચિમ ભારતના ભૂકંપ, એક્ટિવ ફોલ્ટ અને અર્થક્વેક હેઝાર્ડ મેનેજમેન્ટની સમજ અપાવી હતી. ૩ દિવસીય આ નેશનલ લેવલના ઇવેન્ટમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં ઓરલ પ્રેઝન્ટેશન, પોસ્ટર પ્રેઝન્ટેશન, જીયોક્વિઝ જેવી વિવિધ પ્રતિયોગિતાઓનો સમાવેશ થતો હતો. ગૌરવની વાત કરીએ તો કોન્ફરન્સ દરમિયાન થયેલ ઓરલ પ્રેઝન્ટેશનમાં કચ્છ યુનિવર્સિટીની જીયોલોજી વિદ્યાર્થિની મહિમાબા ચૌહાણને બેસ્ટ ઓરલ પ્રેઝન્ટેશનનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે પોસ્ટર પ્રેઝન્ટેશનમાં દિયા ગોસ્વામી અને માધવી સુવેરાને બેસ્ટ પોસ્ટર પ્રેઝન્ટેશનનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તથા ક્વિઝ સ્પર્ધામાં વિવિધ ગ્રુપોમાં આવ્યા હતા, જેમાં કચ્છ યુનિવર્સિટીના જીયોલોજીના વીદ્યાર્થી વૈષ્ણવ સુરેશ જે ગ્રુપમાં હતા તે વિજેતા ટીમની યાદીમાં સામેલ હતા.
ડૉ. ચૌહાણનું કહેવું છે કે આવા ઇવેન્ટ્સથી કચ્છના વિદ્યાર્થીઓને નેશનલ લેવલ પર પોતાનું સંશોધન રજૂ કરવાનો મોકો મળ્યો હતો. નેશનલ લેવલની વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરએક્શન કરી શક્યા, જ્ઞાનનું આદાન-પ્રદાન કરી શક્યા અને કોલેબોરેશન પણ કરી શક્યા. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલ અને કુલસચિવ ડૉ. અનિલ ગોર દ્વારા સમગ્ર વિભાગ, ડૉ. ચૌહાણ તેમજ ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને અને ખાસ કરીને બેસ્ટ પોસ્ટર પ્રેઝન્ટેશન, બેસ્ટ ઓરલ પ્રેઝન્ટેશન અને ક્વિઝ સ્પર્ધામાં વિજેતા થયેલ ટીમના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા હતા.
--------------

Comments