Trending News
સ્થાનિક સમાચાર

બાળકોને એટલા બધા ન હંફાવો કે તેઓ જીવનની દોડથી થાકી-હારી જાય : ડો. નવઘણ આહિર

21 February


ભુજમાં રોટરી લાયબ્રેરી આયોજિત શુભેચ્છા મિલનમાં  ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ અને વાલીઓને  ધ્યેય નક્કી કરવાની અપાઇ શીખ

ભુજ-કચ્છઉદય : બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારના માનસિક તણાવ વિના કસોટી આપવાથી અને આયોજનબદ્ધ જવાબો લખવાથી દસથી પંદર ટકા ગુણ વધુ આવવાની વાત તર્કબદ્ધ રીતે સમજાવતા રોટરી ચેરીટેબલ સોસાયટીના ચેરમેન ડો. નવઘણ આહિરે અહીં રોટરી લાયબ્રેરી દ્વારા યોજાયેલ શુભેચ્છા મિલનમાં શીખ આપી હતી.
ધોરણ દસ અને બારમાના વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષા સમયગાળા દરમ્યાન વર્તવાના મુદ્દાઓ પ્રત્યે ધ્યાન ખેંચતા ડો. આહિરે તાણ રાખવા કરતા હસતા-હસતા કસોટી આપવાની વાત કરતા વર્ષ દરમ્યાન કરેલ તૈયારીઓને આખરી તબક્કામાં ઓપ કેમ આપવો તે વિશે સરળ અને સહજ ટેક્નિક શીખવાડી હતી.
રોટરી લાયબ્રેરી ચેરમેન પ્રફુલ્લ ઠક્કરે, બોર્ડની એક્ઝામ આપતો વિદ્યાર્થી કંઈ ડરબી રેસનો ઘોડો નથી, એવું સમજાવતા ઉપસ્થિત વાલીઓને  જણાવ્યું હતું કે,બાળકોને એટલા બધા ન હફાવો કે તે જીવનદોડથી ડરી જાય- હાંફી જાય. વિશેષમાં તેમણે પ્રત્યેક વિધાર્થીને સ્વ વ્યવસ્થાપન કરવા પર ભાર મુકાશે તો સમય વ્યવસ્થાપન અને અગ્રતા વ્યવસ્થાપન આપોઆપ કેળવાતા જશે, તેવું તેમણે પોતાના વક્તવ્યમાં ઉમેર્યું હતું.
નોટરી એડવોકેટ અને પોસ્ટ કર્મચારીઓના નિવૃત ટ્રેનિંગ ઓફીસર ચંદ્રબાળાબેન ઠક્કરે રોટરી કલબના આયોજનને બિરદાવતા, વિદ્યાર્થીઓને માનસિક બદલાવ દ્વારા રિઝલ્ટમાં બદલાવ લાવી, કચ્છ જિલ્લાનું નામ રોશન કરવા ઉપસ્થિત  વિદ્યાર્થીઓ,વાલીઓને  અપીલ કરી હતી.
માધાપર જીવન સંધ્યા વૃદ્ધાશ્રમનાં પ્રમુખ અને હિલગાર્ડન ચેરમેન નરેન્દ્ર મિરાણીએ થયેલ આયોજનને બિરદાવી એજ્યુકેશન ક્ષેત્રે તમામ સહકાર આપવાની ખાતરી ઉચ્ચારી હતી તથા હિલગાર્ડન ખાતે યોજાનાર ફ્લાવર શો વિષે સવિસ્તાર માહિતી આપી હતી.
પ્રાંરભમાં ડો. સીનોની ઠક્કરે આ માર્ગદર્શન સેમિનારમાં જોડાયેલા ભુજનાં વિદ્યાર્થીઓને અહીંથી મળતું ભાથ્થું લાભદાયી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા, જીવનમાં અગ્રેસર થવા મેરેથોન દોડના ખેલાડી જેવી માનસિકતા કેળવવા અપીલ કરી હતી. જ્યારે લાયબ્રેરીયન વિજય ઠક્કરે આવા કાર્યક્રમોની અગત્યતા સમજાવી રોટરી લાયબ્રેરીનાં વિધાર્થીલક્ષી અન્ય કાર્યક્રમોની રૂપરેખા આપી હતી.
આ કાર્યક્રમમાં સહયોગી રહેલા દાતા પરિવાર રમણિકલાલ ઠક્કર પરિવારનું સન્માન રોટરી અગ્રણીઓએ કર્યું હતું. જ્યારે ધો. ૧૦-૧૨ના ૫૧ જેટલા પરિક્ષાર્થીઓને પરિક્ષા કીટ આપી એનિક જોષી, પ્રકાશભાઈ સોની, રવિન્દ્રસિંહ જાડેજા, બિભાસ વોરા, શક્તિસિંહ ચૌહાણ, ભરતભાઈ શાહ, પ્રતાપ  રૂપારેલ સહિતના અગ્રણીઓ ધ્વારા શુભેચ્છાઓ વ્યક્ત કરાઇ હતી. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ જાન્વી  ઠક્કરે કરેલ હતી. 
-----

Comments

COMMENT / REPLY FROM