રાજ્ય પોલીસ વડાનો સરહદી કચ્છ પ્રવાસ - માત્ર મુલાકાત નહીં, મજબૂત સુરક્ષાની અપેક્ષા
નિષ્ઠાવાન અધિકારીઓ ભ્રષ્ટાચારીઓને જિલ્લા બાર બદલાવે છે, પછી પણ ડીજી ઓફીસ તેમને પરત કેમ એ જ જિલ્લામાં મોકલી આપી છે? તેમાં મોટી રકમનો ભ્રષ્ટાચાર આવી બદલીઓ પાછળ નહી થતો હોય..? જાણકારોનો સવાલ
પોલીસ વડા મુલાકાત દરમિયાન આ મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે : સંયુક્ત વ્યૂહરચના : સેના, મ્જીહ્લ અને કોસ્ટગાર્ડ સાથે રિઅલ-ટાઇમ માહિતીના આદાન-પ્રદાન માટે કાયમી સિસ્ટમ.ઃ ડ્રગ્સ નેટવર્ક,દરિયાઈ માર્ગે આવતા નશીલા પદાર્થોને રોકવા માટે મરીન પોલીસની સર્વેલન્સ ક્ષમતામાં વધારો.ઃ આંતરિક શુદ્ધિકરણ સ્થાનિક બુટલેગરો અને ભ્રષ્ટ તત્વોની સિન્ડિકેટ તોડવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની સમીક્ષા. જવાનોનું કલ્યાણ : સરહદી ચોકીઓ પર ફરજ બજાવતા જવાનો માટે પાયાની સુવિધાઓ અને ટેકનિકલ તાલીમ
રાજય પોલીસ વડા કચ્છની મુલાકાતે છે ત્યારે ખાસ ગોર ફરમાવે : કચ્છમાં વકરી ગયેલ અમુક બુટલેગરો જેલમાં બેઠા બેઠા દારૂના મોટા સામ્રાજય ચલાવી રહ્યા હોવાના સત્તાવાર ફરીયાદ રૂપે પોલીસ ચોપડે બહાર આવી ચુકયા છે કિસ્સાઓ : અધિકારીઓ કડકાઈ કરી કચ્છની જેલમાથી અન્ય જેલમાં સિફટ કરે છે તો ત્યાં ડીજી કચેરીઓમાં આવા બુટલેગરો સેકસનની ગોઠવણીઓ કરી અને ફરી-ફરીને કચ્છમાં અથવા તો કચ્છ સરહદ નજીકની બનાસકાંઠા જેવા વિસ્તારોમાં જેલ-સબજેલમાં ગોઠવાઈ જઈ દારૂના નેટવર્કને બેફામ ચલાવતા હોવાની ઉઠી છે ચકચાર
ગાંધીધામ : રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ આજથી ૨૧ અને ૨૨ ફેબ્રુઆરી દરમિયાન કચ્છના સરહદી વિસ્તારોની મુલાકાતે આવ્યા છે. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ અને વિશાળ દરિયાકાંઠો ધરાવતા કચ્છ માટે આ મુલાકાત વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની છે. જોકે, આ પ્રવાસ માત્ર પ્રોટોકોલ મુજબની સમીક્ષા બનીને ન રહેતા, કચ્છના વર્તમાન પડકારો સામે એક મજબૂત ‘રોડમેપ’ તૈયાર કરનારો સાબિત થવો જોઈએ. કચ્છનો દરિયાકાંઠો અને રણ પ્રદેશ ભૌગોલિક રીતે જટિલ છે. ભૂતકાળમાં ડ્રગ્સની હેરાફેરી અને ઘૂસણખોરીના અનેક પ્રયાસોને સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યા છે. પરંતુ, જ્યારે રાજ્યના સર્વોચ્ચ પોલીસ અધિકારી ભુજમાં આર્મી, મ્જીહ્લ, કોસ્ટગાર્ડ અને વાયુસેનાના પ્રતિનિધિઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ કરવાના હોય, ત્યારે સૌથી મોટો ભાર ‘ઇન્ટેલિજન્સ શેરિંગ‘ અને ‘કો-ઓર્ડિનેશન’ પર હોવો જોઈએ. એજન્સીઓ વચ્ચેના સંકલનનો અભાવ જ રાષ્ટ્રવિરોધી તત્વો માટે છીંડાં છોડે છે.પોલીસ વડાએ ખાસ કરીને જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ મરીન વિસ્તારોમાં માત્ર કાગળ
પરની સજ્જતા જોવાને બદલે, પાયાની હકીકત તપાસવી પડશે. દરિયાઈ સુરક્ષામાં તૈનાત મરીન પોલીસ પાસે પૂરતા સાધનો, આધુનિક બોટ અને ટેકનિકલ સપોર્ટ છે કે કેમ? તે જોવું અનિવાર્ય છે. દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા જવાનોનું મનોબળ ત્યારે જ વધશે જ્યારે તેમને ફિલ્ડ પર આવતી વ્યવહારિક મુશ્કેલીઓનો ઉકેલ મળશે. આ મુલાકાત સમયે એક પાસું સ્થાનિક ગુનાખોરીનું પણ છે. તાજેતરમાં પધ્ધર પાસે
પકડાયેલો કરોડોનો દારૂ અને મુંદ્રા જેવી હિંસક ઘટનાઓએ પોલીસ તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે. રાજ્ય પોલીસ વડાએ સ્થાનિક અધિકારીઓ સાથેના મંથનમાં આ આંતરિક ‘સિન્ડિકેટ’ અને કથળતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર પણ કડક ટકોર કરવાની જરૂર છે. કચ્છમાં ખાખીની ભ્રષ્ટ સિન્ડીકેટ બની ગઈ છે તેને તોડવાની દીશામાં નિર્ણાયક મકકમ પગલા લેવા જોઈશે. આ ઉપરાંત બુટલેગરો એટલા ફાવી ગયા છે કે જેલમાં બેઠા બેઠા પણ તેનુ દારૂનું સામ્રાજય ચલાવતા રહે છે. કચ્છમાંથી અધિકારીઓ આવા બુટલેગરોને અન્ય જિલ્લાઓમાં જેલોમાં સિફટ કરે છે તો પણ ડીજી કચેરીમા વહીવટ કરીને ફરથી અહીથી પરત આવી જાય છે અને જેલમાંથી જ દારૂના આખાય નેટવર્કને બિનધાસ્ત ચલાવતા ફરી રહ્યા હોવાની ચર્ચાઓ છે તે બાબતે પણ ડીજીપીશ્રીએ વિચારવું જ પડશે. કચ્છ એ દેશની સુરક્ષાનું પ્રવેશદ્વાર છે. ડૉ. રાવની આ મુલાકાત સરહદને અભેદ્ય બનાવવા સાથે સ્થાનિક પોલીસ તંત્રમાં નવી ઉર્જા અને પ્રામાણિકતાનો સંચાર કરે તેવી આશા જનતા રાખી રહી છે. સુરક્ષા એજન્સીઓની સજ્જતા માત્ર પરેડમાં જ નહીં, પણ ગુનેગારોના મનમાં પેદા થતા ફાળમાં દેખાવી જોઈએ.

Comments