દારૂનું નેટવર્ક નેસ્તનાબૂદ થશે જ, હજુ પણ કડક કાર્યવાહી થશે : ડીજીપી
ભુજ રેન્જ આઈજી કચેરી ખાતે ગુજરાત પોલીસ વડા ડો.કે.એલ.એન.રાવે આપી માહિતી : બે દિવસીય મુલાકાત દરમિયાન સરહદી જિલ્લાઓની કામગીરીની સમીક્ષા સાથે એજન્સીઓ સાથે સંકલન સાધવામાં આવશે : એક પોલીસ સ્ટેશન ડીજીપી દ્વારા લેવાશે દત્તક
ભુજ - કચ્છ ઉદય : દારૂ એક સામાજિક દુષણ છે. આ દુષણને ડામવા માટે પોલીસ અને સરકાર કટીબદ્ધ છે. સ્થાનિક, જિલ્લાસ્તરે અને રાજ્યસ્તરે કાર્યવાહી થાય છે અને આ કાર્યવાહી હજુ ચાલુ રહેશે. દારૂના નેટવર્કને નેસ્ત-નાબૂદ કરવાની નેમ હોવાનું ભુજ ખાતે રેન્જ આઈજી કચેરીમાં પત્રકાર પરિષદ દરમિયાન ગુજરાત પોલીસ વડા ડો.કે.એલ.એન. રાવે જણાવ્યું હતું. તેઓએ સરહદી જિલ્લો હોવાથી સુરક્ષા અને એજન્સીઓના સંકલન પર ભાર મૂકી કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવો નિર્દેશ આપ્યો હતો.
પ્રારંભે હરીપર રોડ પર આવેલી આઈજી કચેરી ખાતે ડીઆઈજી પહોંચ્યા ત્યારે રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તેમજ પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, પાટણ એસપી વસંત નાઈ, બનાસકાંઠા એસપી પ્રશાંત દુબે તેમજ વાવ-થરાદ એસપી ચિંતન જે. તેરૈયા દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને આવકાર આપવામાં આવ્યો હતો. ભુજ ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજવા ઉપરાંત જખૌ, પિંગલેશ્વર સહિતના વિસ્તારોની મુલાકાત લઈ દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સાથે સંવાદ કરવાના હોવાની માહિતી આપવામાં આવી હતી.
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડો. કે.એલ.એન. રાવે જણાવ્યું કે, ડીજીપી બન્યા કચ્છની પહેલી મુલાકાત છે. ખાસ કરીને સરહદી જિલ્લો, આંતરરાષ્ટ્રીય બોર્ડર હોવાના કારણે તમામ એજન્સીઓ સાથે સંકલન પર ભાર મૂકવામાં આવ્યો છે.આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય આર્મી, નેવી, એરફોર્સ, કોસ્ટગાર્ડ જેવી વિવિધ કેન્દ્રીય એજન્સીઓ તેમજ ગુજરાત પોલીસ, ફીશરિઝ, બોર્ડરવીંગ, આર્મ ફોર્સ, રેવેન્યુ ડિપાર્ટમેન્ટ, એસઆરપી, ઈન્ટેલિજન્સ, સાયબર ક્રાઈમ, સીઆઈડી ક્રાઈમ સહિતનાઓ સાથે સંકલન સાધવાનો અને પોલીસ વિભાગની કામગીરીનું મૂલ્યાંકન કરવાનો છે. વર્ષ ર૦ર૪ અને રપ દરમિયાન પોલીસ દળ દ્વારા કરવામાં આવેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે. ગંભીર ગુનાઓમાં ડિટેકશન થયું છે. કેટલાકમાં બાકી છે. ખાસ કરીને હાઈવે પર ફેટલ અકસ્માત વધી રહ્યા છે. આવા અકસ્માતો કેમ ઘટી શકે તે બાબતે ચર્ચા સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા સહિતની બાબતે ઝુંબેશ ચલાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. વધુમાં માહિતી આપી હતી કે, બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્લાન હેઠળ સરહદી વિસ્તારના પોલીસ સ્ટેશનો અને આઉટપોસ્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુદ્રઢ બનાવવામાં આવશે. વડાપ્રધાનના વિઝન મુજબ તેઓ દ્વારા કચ્છમાં એક પોલીસ સ્ટેશનને દત્તક લઈને તેને આધુનિક મોડેલ પોલીસ સ્ટેશન તરીકે વિકસાવવાનું પણ આયોજન છે. ગત ડિસેમ્બર મહિનામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ૩૦ આઈપીએસ અધિકારીઓ સાથે સરહદી જિલ્લાની મુલાકાતે હતા તેઓ પણ ત્યારે આવ્યા હતા. એ ગામોમાં ફરી મુલાકાત લઈ લોકો સાથે સંવાદ કરવામાં આવશે. ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અને સીઆઈડી ક્રાઈમના દેખરેખ હેઠળ ખાસ બોર્ડર ઝોન કાર્યરત કરવામાં આવ્યા છે. વધતા જતા સાઇબર ક્રાઈમ અને ડિજિટલ અરેસ્ટ જેવા ગુનાઓ અંગે જનતાને સાવધ રહેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે જો કોઈ નાણાકીય છેતરપિંડીનો ભોગ બને તો તાત્કાલિક ૧૯૩૦ નંબર પર જાણ કરવી જોઈએ જેથી સમયસર બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી નાણાં પરત મેળવી શકાય. અંતમાં તેમણે સરહદી ગામોના લોકોને સુરક્ષાનો ભરોસો આપતા કહ્યું કે પોલીસ દળ તમામ એજન્સીઓના સહયોગથી એક સુરક્ષિત વાતાવરણ આપવા કટિબદ્ધ છે અને પ્રજાની સમસ્યાઓ જાણવા માટે આવી મુલાકાતોનો સિલસિલો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

Comments