રાપર શહેરમાં ભીષણ આગ : ચાર શ્રમજીવીના આશિયાના બળીને ખાખ
તિરુપતિ વિસ્તારમાં સવારના સમયે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી : ઘરવખરી બળી જતાં ગરીબ પરિવારો નોંધારા બન્યા : ફાયર બ્રિગેડે વધુ હોનારત ટાળી
રાપર - કચ્છઉદય : કચ્છ જિલ્લાના રાપર શહેરમાં આજે સવારના સમયે શ્રમજીવીઓના કાચા મકાનો આગની ઝપેટમાં આવી જતાં ભારે નુકસાન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આજે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ રાપરના તિરુપતિ વિસ્તારમાં આવેલા કાચા મકાનો અને ઝૂંપડાઓમાં અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
આ ઘટના અંગે રાપર ફાયર ફાઇટરની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે આગ ચાર જેટલા કાચા મકાનોને પોતાની લપેટમાં લઈ ચૂકી હતી. ફાયરના જવાનોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. સતત જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ગરીબ શ્રમજીવીઓના ચાર રહેઠાણો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ
ગયા હતા.
આ ભીષણ આગમાં ઘરવખરી અને માલસામાન બળી જતાં પરિવારો નિરાધાર બન્યા છે. જોકે, ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે બાજુમાં જ આવેલા અન્ય કાચા મકાનોને બચાવી લેવામાં સફળતા મળી હતી, જેના કારણે એક મોટી હોનારત ટળી હતી. આ બચાવ કામગીરીમાં રાપર ફાયર ટીમ લીડર કાનજી ડોડીયા, લલિત ઝાલા અને વેલજીભાઈએ ખડેપગે રહીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અત્રે નોંધનીય છે કે તાજેતરમાં જ રાપર શહેરમાં એક જર્જરીત ઇમારતની બાલ્કની ધરાશયી થઈ જતા નીચે પાર્ક કરેલા વાહનોને મોટું નુકસાન થયું હતું ત્યારબાદ આજે આગની દુર્ઘટના કારણે ચાર શ્રમજીવીઓના આશિયાના સળગીને ખાખ થઈ જતા ગરીબો પરિવાર માટે મુસીબત સર્જાઈ છે.

Comments