એસએમસીની કાર્યવાહી બાદ એલસીબીને અચાનક માંડવીમાં દારૂ દેખાયો
મોટી રાયણમાં તળાવના વોકળામાં પ્લાસ્ટિક નીચે ઢાકેલી દારૂની ૭.૪૮ લાખની ૯૧૧ બોટલ મળી : કોઈ આરોપી ન મળ્યા
ભુજ - કચ્છ ઉદય : સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગાંધીનગરથી આવીને પદ્ધર પોલીસ સ્ટેશનની હદમાં વડવાળા ગામમાંથી ગુજરાતનો વિક્રમી કહી શકાય તેમ ચાર કરોડનો દારૂ ઝડપી લીધા બાદ જિલ્લા પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ છે. આજે ગુજરાતના ડીજીપી શ્રી રાવ પણ કચ્છમાં છે ત્યારે કાર્યવાહી બતાવવા માટે ગતરોજ પદ્ધરના પીઆઈ, પીએસઆઈ તેમજ ડી-સ્ટાફના ત્રણ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા, અન્ય હેડ કોન્સ્ટેબલોની બદલી કરવામાં આવી તેમજ એલસીબીના પીઆઈ અને પીએસઆઈને લીવ રિર્ઝવમાં મુકી ચાર કર્મચારીને બદલી દેવામાં આવ્યા છે. આ વચ્ચે એલસીબીને માંડવી તાલુકાના મોટી રાયણમાંથી દારૂ મળી આવ્યો હતો.
આ બાબતે મળતી વિગતો મુજબ મોટી રાયણ ગામની પશ્ચિમ બાજુએ આવેલી તળાવના વોકળામાં ગત રાત્રે કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યાંથી દારૂ મળ્યો હતો. અહીંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૯૧૧ બોટલ છુપાવવામાં આવી હતી. જેની કિંમત રૂા.૭.૪૮ લાખ આંકવામાં આવી છે. આ દારૂ પ્લાસ્ટિકના કંતાન નીચે છુપાવવામાં આવ્યો હતો. માંડવીના કલવાણ રોડ પ રહેતા દેવરાજ ગોપાલ ગઢવીનો દારૂ હોવાનું કોડાય પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. મહત્ત્વની બાબત એ છે કે, સ્થાનિક પોલીસ કે એલસીબી બાતમીના આધારે કાર્યવાહી કરે છતા તેઓને માત્ર દારૂ જ મળે છે. આરોપીઓ કે વાહનો મળતા નથી. જ્યારે એસએમસી દારૂ તો પકડે છે. સાથે વાહનો અને આરોપીઓને પકડે છે. માંડવીની કાર્યવાહી એસએમસીના કેસ બાદ પશ્ચિમ કચ્છ એલસીબીની હાજરી પુરાવાની કાર્યવાહી હોવાનું લોકો કહી રહ્યા છે. આ બાબતે કોડાય પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો અને ક્રોસ તપાસ માંડવી પીઆઈ સી.વાય. બારોટને સોંપવામાં આવી છે.

Comments