Trending News
સ્થાનિક સમાચાર

ભારતના બાળકો માટે એઆઈ દ્વારા શિક્ષણને સશક્ત બનાવતી શિક્ષાનેક્સ્ટ પહેલનો પ્રારંભ

20 February


રિલાયન્સ ફાઉન્ડેશન, ગેટ્‌સ ફાઉન્ડેશન અને અન્ય ભાગીદારોના સહયોગથી વર્ષ ૨૦૨૯ સુધીમાં ૧.૩ કરોડ બાળકોને ટેકનોલોજી આધારિત શિક્ષણ સાથે જોડવાનું લક્ષ્ય

નવી દિલ્હી : ભારતના વંચિત સમુદાયોના બાળકો માટે શિક્ષણની ગુણવત્તા સુધારવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા એજ્યુકેશન ટેક્નોલોજીના અસરકારક ઉપયોગ દ્વારા તેમને સજ્જ કરવા માટે એક મહત્વકાંક્ષી ’શિક્ષાનેક્સ્ટ’ પહેલની જાહેરાત કરવામાં આવી છે. નવી દિલ્હી ખાતે આયોજિત ’ઇન્ડિયા એઆઇ ઇમ્પેક્ટ સમિટ’ દરમિયાન ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શિક્ષણ સચિવ સંજય કુમારની વિશેષ ઉપસ્થિતિમાં આ ત્રણ વર્ષીય પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો. અંદાજે ૧૭૦ કરોડના ભંડોળ સાથે શરૂ કરવામાં આવેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ ૨૦૨૯ સુધીમાં દેશના ૧.૩ કરોડથી વધુ બાળકોને અર્થપૂર્ણ અને આધુનિક શિક્ષણની તકો પૂરી પાડવાનો છે.
આ બહુવર્ષીય પહેલમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને ગેટ્‌સ ફાઉન્ડેશન સ્થાપક વ્યૂહાત્મક ભાગીદારો તરીકે જોડાયા છે, જ્યારે સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશન મેનેજિંગ પાર્ટનર તરીકેની જવાબદારી સંભાળી રહ્યું છે. આ ઉપરાંત માઈકલ એન્ડ સુસાન ડેલ ફાઉન્ડેશન દ્વારા પણ આ પ્રોજેક્ટમાં નાણાકીય સહયોગ આપવામાં આવી રહ્યો છે. આ ગઠબંધનનો હેતુ શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનો વ્યાપ વધારીને તેને વધુ સુલભ અને સસ્તું બનાવવાનો છે. ’શિક્ષાનેક્સ્ટ’ મુખ્યત્વે ત્રણ સ્તંભો પર કાર્ય કરશે, જેમાં સફળ એડટેક મોડેલ્સને મોટા પાયે વિસ્તારવા માટે ’એડટેક સ્કેલ-એક્સ’, નવા સોલ્યુશન્સના વિકાસ માટે ’એડટેક એક્સિલરેટર’ અને વિવિધ ભારતીય ભાષાઓમાં શિક્ષણ આપવા માટે ’એડટેક એન્ડ એઆઇ ઇનોવેશન હબ’નો સમાવેશ થાય છે.
આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, વિકસિત ભારત ૨૦૪૭ના નિર્માણ માટે ટેકનોલોજી અને એઆઈ અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે આ પહેલને ’સબકા એડટેક’ તરીકે ઓળખાવી હતી અને તેને એક જન આંદોલનમાં પરિવર્તિત કરવા પર ભાર મૂક્યો હતો જેથી દરેક વિદ્યાર્થી સુધી તેનો લાભ પહોંચી શકે. રિલાયન્સ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ લીડ બી. શ્રીનિવાસને જણાવ્યું હતું કે, ડિજિટલ કનેક્ટિવિટી અને ફાઈવ જીના યુગમાં આ પહેલ શિક્ષણના પરિણામોને માપી શકાય તે રીતે સુધારશે. તેવી જ રીતે ગેટ્‌સ ફાઉન્ડેશનના બેન્જામિન પાઈપર અને અન્ય ભાગીદારોએ પણ આશા વ્યક્ત કરી હતી કે સાબિત થયેલા ટેકનોલોજીકલ ઉકેલો સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ કાર્યક્રમમાં શિક્ષણ જગતના અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને શિક્ષણમાં સમાનતા અને ગુણવત્તા લાવવાની સામૂહિક પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
--------- 

Comments

COMMENT / REPLY FROM