ફોકિયા દ્વારા માઇક્રો, સ્મોલ અને મિડિયમ ઉદ્યોગો માટે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ પર વર્કશોપનું આયોજન કરાયું
ભુજ - કચ્છઉદય : ફેડરેશન ઑફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી ભારત સરકાર અને પીડબલ્યુસી ઈન્ડિયા દ્વારા ભુજ-કચ્છ, ગુજરાતમાં માઇક્રો, સ્મોલ અને મિડિયમ ઉદ્યોગો માટે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ પર એક વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપમાં જિમ્પેક્સ ઇમેર્સીસ ઇંડિયા પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ પ્રદીપ કોઠારીએ મુખ્ય સંબોધન આપ્યું હતું અને એમએસએમઈના વિકાસ અને કર્મચારી કલ્યાણમાં પેન્શન યોજનાઓની મહત્વતાને રેખાંકિત કર્યું. ભુજ જીઆઈડીસી એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે સ્વાગત સંબોધન કર્યું હતું.
પીએફઆરટીએના ડેપ્યુટી જનરલ મેનેજર દેવેશ મિત્તલે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.એનપીએસની વિશેષતાઓ, પોર્ટેબલ અને કર-કાર્યક્ષમ નિવૃત્તિ બચત સાધન તરીકેની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે અનૌપચારિક કાર્યબળમાં પેન્શન કવરેજ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી સામાજિક સુરક્ષા મજબૂત બને અને ગુજરાતમાં કાર્યબળની ટકાઉપણું વધે. આ પ્રસંગે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન આપતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પેન્શન ફંડના કી એકાઉન્ટ મેનેજર આદર્શ બિંદે વિવિધ પ્રકારના એનપીએસ એકાઉન્ટ, એસેટ વર્ગ અને ઓનબોર્ડિંગ પ્રક્રિયા અંગે સમજણ આપી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્ય સરકારના કચ્છ જિલ્લા ઉદ્યોગ સેન્ટરના અધિકારી નકુમ ભરતે આત્મનિર્ભર ગુજરાતની એમએસએમઈ સ્કીમ વિશે માહિતી આપી હતી.
આ વર્કશોપના સમાપન સમારોહ દરમિયાન યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં ભાગ લેનારોએ પોતાના પ્રશ્નો દ્વારા સ્પષ્ટતા મેળવી હતી. આ કાર્યક્રમની આભરવિધિ વિશાલ ક્લાર્કે કરી હતી. આ કાર્યક્રમમાં કચ્છના ભુજ જીઆઈડીસી એસોસિયેશન, અંજાર જીઆઈડીસી એસોસિયેશન, કચ્છ ચાઈનાક્લે એસોસિએશન, આશાપુરા પર્ફોક્લે, વેલસ્પન અને સુર્ય રોશની જેવી મોટી ઇન્ડસ્ટ્રીઝ તથા વિવિધ એમએસએમઈની સક્રિય ભાગીદારી જોવા મળી. આ કાર્યક્રમ કચ્છના એમએસએમઈ સમુદાયમાં પેન્શન જાગૃતિને આગળ વધારવા, ઉદ્યોગસાહસિકો, નોકરીદાતાઓ અને કર્મચારીઓમાં નાણાકીય રીતે સુરક્ષિત નિવૃત્તિની યોજના બનાવવાની અને તેના દ્વારા ટકાઉ ઉદ્યોગસાહસિક વૃદ્ધિને મજબૂત બનાવવાનો સંદેશ સફળતાપૂર્વક પહોંચાડતા કાર્યક્રમનું સમાપન થયું હતુું. કાર્યક્રમનું સંચાલન કુમારી જીનીશા સદાણીએ કર્યુુંં હતું. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન ફોકિઆના મમતા વાસાણી, શિવાની ભગત અને ભરત બારોટે કર્યું હતું.
----------

Comments