ભુજ નગરપાલિકાના કર્મચારીઓને નિયમિત કેડરમાં સ્થાન
હાઈકોર્ટમાં દાખલ અરજી બાદ ન્યાય મળ્યો
ભુજ - કચ્છઉદય : અરજદાર દર્શક નટવરલાલ અંતાણી તથા અન્ય નવ સમાન પરિસ્થિતિ ધરાવતા કર્મચારીઓએ તેમના વકીલ શિવાંગ શાહ મારફતે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. ૧૨૧૫૪ ઓફ ૨૦૧૮ દાખલ કરી હતી. અરજીમાં ભુજ નગરપાલિકામાં સેવા આપતા કર્મચારીઓને નિયમિત સેટઅપમાં સમાવેશ કરવા તથા તમામ અનુસંગિક લાભો આપવા માંગ કરવામાં આવી હતી.
અરજદારોની સેવાઓ અંગે મજૂર અદાલતે નિયમિતકરણનો હુકમ કર્યો હોવા છતાં ભુજ નગરપાલિકા દ્વારા તેમને નિયમિત સ્થાપિત કેડરમાં સામેલ કરવામાં આવ્યા ન હતા, જેના કારણે કર્મચારીઓ સેવાકીય તથા આર્થિક લાભોથી વંચિત રહ્યા હતા. પરિણામે, કર્મચારીઓએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. કેસ અંતિમ સુનાવણીના તબક્કે હોવા દરમિયાન સરકાર તરફથી તા. ૧૦-૧૨-૨૦૨૫ના સંદેશ દ્વારા સત્તાધિકારી કમિશનર દ્વારા મંજૂરી આપવામાં આવી અને ભુજ નગરપાલિકાને કુલ ૪૩ કર્મચારીઓને નિયમિત મંજૂર સેટઅપમાં સમાવેશ કરવા હુકમ આપવામાં આવ્યો. ત્યારબાદ તા. ૧૬-૧૨-૨૦૨૫ના વિગતવાર આદેશ દ્વારા નગરપાલિકાએ કર્મચારીઓની સેવાઓ નિયમિત કરી અને તેમને નિયમિત કેડરમાં સામેલ કર્યા છે, આથી હવે અરજદારો સહિત તમામ ૪૩ કર્મચારીઓને નિયમિત સેવાકીય તથા આર્થિક લાભો પ્રાપ્ત થશે. લાંબા સમયથી ચાલતી લડતને અંત મળતા કર્મચારીઓમાં આનંદની લાગણી વ્યાપી છે. અરજદારોના વકીલ શિવાંગ શાહે જણાવ્યું હતું કે, કર્મચારીઓએ વર્ષોથી ન્યાય માટે રાહ જોઈ હતી. હવે નિયમિતકરણ અને અનુસંગિક લાભો મળતા તેમના હક્કોને માન્યતા મળી છે.
---------

Comments