અંજારના ચંદિયામાં બનેલી ઘટનાથી દોડધામ
પ્રેમ સબંધમાં ઘાતકી હત્યા, પ્રેમીએ ટૂંપો આપી લાશને કુવામાં ફેંકી દીધી
અંજાર પોલીસે પ્રેમી સહિત બે શખ્સોને ઝડપી લીધા : ફાયર વિભાગની મદદથી કુવામાંથી દેહને બહાર કઢાયો
ગાંધીધામ - કચ્છઉદય : તાજેતરમાં પ્રેમનો પર્વ ગણાતા વેલેન્ટાઈન વિકની ઉજવણી કરવામાં આવી, જે બાદ અંજાર તાલુકાના ચંદિયા ગામે પ્રેમ સબંધના કરૂણ અંજામની ઘટના સામે આવી છે. પ્રેમીએ પ્રેમીકાને ટુંપો આપી લાશને કુવામાં ફેંકી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવમાં અંજાર પોલીસે ત્વરીત કામગીરી કરીને બે શખ્સોને ઝડપી લીધા છે. આ બનાવની મળતી વિગતો મુજબ આજે સવારે ભુજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી કે, ચંદિયાના કુવામાં મહિલાની લાશ છે. જેથી ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. કૂવો આશરે ૫૫ ફૂટ જેટલો ઊંડો હતો અને તેમાં પાણી પણ ભરેલું હતું. જેથી મહિલાને બહાર કાઢવા ટીમે અત્યાધુનિક રેસ્ક્યુ રોબોટનો ઉપયોગ કર્યો હતો. મજબૂત રસ્સામાં ચેર નોટ બાંધીને ફાયરમેનને કૂવાની ઊંડાઈમાં ઉતારવામાં આવ્યો હતો. ભારે જહેમત અને ચોકસાઈપૂર્વક હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનના અંતે મહિલાને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. આ કામગીરીમાં ફાયર વિભાગના સચિન પરમાર, વિશાલ ગઢવી, દિલીપ ચૌહાણ, ઈમ્તિયાઝ સમા, કમલેશ મતીયા, ઋષિ ગોર અને મોહન રબારી સહિતના જોડાયા હતા. દરમિયાન પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ હતભાગી ૧૮ વર્ષિય યુવતી ગુમ થતાં ગત રોજ અંજાર પોલીસમાં ગુમનોંધ દાખલ કરવામાં આવી હતી. અંજારના પીઆઈ એ.આર. ગોહિલના માર્ગદર્શનમાં ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ચોંકાવનારી હકિકતો સામે આવી હતી. મરણજનાર ચંદિયા ગામમાં રહેતા ૧૮ વર્ષિય રાધાબેન હોવાનું જાણવા મળ્યું છે. તેને રાહુલ નામના શખ્સ સાથે પ્રેમ સબંધ હતો. કોઈ કારણોસર બંને વચ્ચે ઝઘડો થયો અને બોયફ્રેન્ડ રાહુલે રાધાને ગળે ટુપો આપી મોતને ઘાટ ઉતારી દેહને કુવામાં ફેંકી દીધો હતો. આ બનાવમાં રાજેશ નામના શખ્સે મદદગારી કરી હતી. અંજાર પીઆઈ એ.આર. ગોહિલથી વાત કરતાં તેમણે સમગ્ર બનાવ હત્યાનો હોવાનું અને પ્રાથમિક તબક્કે પ્રેમ સબંધમાં હત્યા કરવામાં આવી હોવા બાબતને સમર્થન આપ્યું હતું. બે શખ્સોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. હાલ તપાસ ચાલી રહી હોવાનું ઉમેર્યું હતું.

Comments