Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ખનીજ માફિયાઓ પર તંત્રનો સપાટો : ગેરકાયદેસર પરિવહન કરતી ૧૦ ટ્રકો ઝડપાઈ

20 February



ભુજ તાલુકાના મોડસર, કોટાય અને ખાવડા પંથકમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો : લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો


ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી ખનીજ ચોરી અને ગેરકાયદેસર પરિવહનની ફરિયાદો ઉઠવા પામી હતી, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. કચ્છ કલેક્ટર આનંદ પટેલની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ માફિયાઓ વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગના દેવેન્દ્રસિંહ બારીયા અને તેમની સતર્ક ટીમે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડીને ગેરકાયદેસર ખનીજ પરિવહન કરતા તત્વો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે.
ખનીજ વિભાગની આ ટીમે ખાસ કરીને ભુજ તાલુકાના મોડસર, કોટાય અને સરહદી વિસ્તાર એવા ખાવડા પંથકમાં તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. આ કામગીરી દરમિયાન ગેરકાયદેસર રીતે સિલિકા, માટી અને રેતીનું પરિવહન કરી રહેલી કુલ ૧૦ જેટલી ટ્રકોને ઝડપી પાડવામાં આવી છે. પકડાયેલા વાહનો પૈકી ૮ ટ્રકો એવી હતી કે જેની પાસે કોઈપણ પ્રકારના માન્ય રોયલ્ટી પાસ કે પરમિટ ઉપલબ્ધ નહોતી, જ્યારે અન્ય ૨ ટ્રકો ક્ષમતા કરતા વધુ ઓવરલોડ ખનીજ ભરીને પસાર થઈ રહી હતી. તંત્ર દ્વારા આ તમામ વાહનોને કબજે કરી કાયદેસરની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખાણ ખનીજ વિભાગની આ આક્રમક કામગીરીને કારણે સમગ્ર જિલ્લાના ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તંત્ર દ્વારા સમયાંતરે આવી કાર્યવાહી કરવામાં આવતી રહી છે, પરંતુ જિલ્લા કલેક્ટરની કડક સૂચના બાદ વિભાગે વધુ સક્રિય બનીને તપાસ તેજ કરી છે. આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહન રોકવા માટે ચેકિંગની પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો તંત્ર દ્વારા સાંપડી રહ્યા છે. તંત્રની આ કડકાઈથી સરકારી તિજોરીને થતું આર્થિક નુકસાન અટકશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ આવશે તેવી આશા સેવાઈ રહી છે.

Comments

COMMENT / REPLY FROM