એસટી બસોની અનિયમિતતા સામે વિદ્યાર્થીઓનો ઉગ્ર અવાજ
ભારતીય કલમધારી સંઘ અને ગામડાના વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી બસ સેવા સમયસર ચલાવવાની માંગ કરી
ભુજ-કચ્છઉદય : કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જીએસઆરટીસી (એસટી) બસોની અનિયમિતતા કારણે વિદ્યાર્થીઓ તથા સામાન્ય મુસાફરોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. બસો સમયસર ન આવવી, કેટલાક રૂટની સેવાઓ અચાનક બંધ થઈ જવી અને સતત વિલંબ થવાથી રોજિંદા જીવન પર ગંભીર અસર પડી રહી છે. આ સમસ્યાને લઈને ભારતીય કલમધારી સંઘના રાષ્ટ્રીય સચિવ રાજેશ શેખવા તેમજ કચ્છના વિવિધ ગામોના વિદ્યાર્થી મિત્રો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆતમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ગામડાઓમાંથી ભુજ ખાતે અભ્યાસ માટે આવતાં વિદ્યાર્થીઓ માટે એસટી બસ સેવા એકમાત્ર આધાર છે. પરંતુ બસો અનિયમિત ચાલતી હોવાથી તેઓ શાળા-કોલેજમાં સમયસર પહોંચી શકતા નથી. પરિણામે અભ્યાસમાં નુકસાન થતું હોવા સાથે રોજની મુસાફરી તણાવપૂર્ણ બની ગઈ છે. વિદ્યાર્થીઓએ વધુમાં યાદ અપાવ્યું કે આશરે એક મહિના પહેલા પણ આ મુદ્દે કડક આંદોલન કરવામાં આવ્યું હતું. તે સમયે એસટી ડેપો દ્વારા તા.૨૭-૧-૨૦૨૬થી બસો નિયમિત રીતે ચાલશે” તેવી લેખિત ખાતરી આપવામાં આવી હતી. જોકે, આ ખાતરી પાળવામાં એસટી વિભાગ નિષ્ફળ રહ્યું છે અને હાલ પણ બસ વ્યવસ્થામાં કોઈ સુધારો જોવા મળતો નથી.
અગાઉ તા. ૨૩-૦૧-૨૦૨૬ના રોજ ભુજ બસપોર્ટ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ આંદોલનમાં માત્ર એક રૂટ નહીં પરંતુ કચ્છના અનેક ગામોમાં જતી બસોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. લગભગ બે કલાક સુધી ચાલેલા આ ઘર્ષણ દરમિયાન વિદ્યાર્થીઓએ ભુજ બસપોર્ટ બંધ કરાવ્યો હતો, જેના પગલે એસટી કર્મચારીઓએ આવું ફરી નહીં થાય તેવી લેખિત ખાતરી આપી હતી.
છતાં ફરીથી વિદ્યાર્થીઓને કલેક્ટર સમક્ષ રજૂઆત કરવી પડી છે. વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે તમામ રૂટની બસો કાયમી ધોરણે સમયસર ચલાવવામાં આવે તેમજ બંધ કરાયેલી સેવાઓ તાત્કાલિક શરૂ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓ તથા મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે. આ મુદ્દે સ્થાનિક જનતામાં પણ નારાજગી જોવા મળી રહી છે અને બસ વ્યવસ્થાને ફરીથી વિશ્વસનીય બનાવવા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.
--------

Comments