ઉત્તરપ્રદેશના ગુમ થયેલા એકના એક પુત્રનું પાંચ વર્ષે માતા-પિતા સાથે થયું મિલન
ભુજ - કચ્છઉદય : ઉત્તરપ્રદેશનાં બલીયા જિલ્લાનાં રેઓટી ગામનો યુવાન વિકાસકુમાર તિવારી (ઉ.વ.૨૧) ગુમ થતાં તેનાં માતા-પિતાએ તેની ખૂબ જ ચિંતા સેવી, સતત શોધ ચલાવી હતી. પણ કયાં પણ એની ખબર નમળતાં પરિવારજનો નિરાશ થયા હતા. અનેક રાજ્યોનાં શહેરો,ગામડાઓમાંથી તે રખડતો-ભટકતો રહ્યો હતો. આખરે પાંચ વર્ષ પછી તે રેલ્વે માર્ગે ભુજ આવી પહોંચ્યો હતો. જુન-૨૦૨૫ માં માનવજ્યોતને મળી આવતાં સંસ્થાએ તેનું ઘર,પરિવાર શોધવા ખૂબજ માથામણ કરી પણ ઘર પરિવાર મળતા ન હતા.
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ યુપી પોલીસની મદદથી તેનાં ઘર, પરિવાર શોધી કાઢ્યા. પિતા અરૂણ તિવારી, માતા ચિંતાદેવી સમાચાર પ્રાપ્ત થતાં જ ઉત્તરપ્રદેશથી ભુજ પહોંચ્યા હતા. માતા-પિતાનાં વ્હાલસોયા એકમાત્ર સંતાન વિકાસને ભેટી પડી બંને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. પાંચ વર્ષ પછી માતા-પિતાનું પુત્ર સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આખરે તે ૨૬ વર્ષનો થઇ પોતાનાં ઘર-પરિવાર સુધી પહોંચ્યો છે. પરિવારનું એકમાત્ર તે સંતાન હોવાથી પરિવારમાં ખુશીની લહેર ફેલાઇ હતી. પરિવારે માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો. માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહેદવસિંહ જાડેજા, દિપેશ શાહ, અક્ષય મોતા, શ્રવણ ડાભી સહભાગી બન્યા હતા.
---------

Comments