એસએમવીએસ સંસ્થાન દ્વારા નૂતન સ્વામિનારાયણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
૨૭મી ફેબ્રુઆરીથી ત્રણ દિવસ યોજાનારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વચનામૃત કથા, હરિકૃષ્ણ મહારાજની રજત તુલા તથા ભવ્ય શોભાયાત્રા નીકળશે : બળદિયા ગામમાં થઈ ગયેલા ખૂબ જ પ્રતાપી જીવનપ્રાણ અબજીબાપાની મૂર્તિ સાથેનું સંપ્રદાયનું ભુજમાં પહેલું મંદિર થશે : અત્યારના ખૂબ જ પ્રતાપી સંત સત્યસંકલ્પદાસજી ખાસ સાનિધ્યનું સુખ અને રૂડા આશીર્વાદ આપશે
ભુજ : કચ્છઉદય : કચ્છના બળદિયા ગામમાં થઈ ગયેલા અતિ પ્રતાપી સંત જીવનપ્રાણ અબજીબાપાના રૂડા આશીર્વાદથી ચાલી રહેલી વાસણા સ્વામિનારાયણ સંસ્થાન એસએમવીએસના નૂતન સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ અને જીવનપ્રાણ બાપા તથા અન્ય સંતોની પ્રાણ પ્રતિષ્ઠા હરિભક્તોના વહાલા અને અતિ પ્રતાપી સંત પૂજ્ય સત્યસંકલ્પદાસજીના પવિત્ર અને શુભ હસ્તે થશે. આ મહોત્સવ તારીખ ૨૭મી ફેબ્રુઆરી થી પહેલી માર્ચ સુધી ત્રણ દિવસ માટે યોજાશે. પહેલી માર્ચના દિવસે ભવ્ય શોભાયાત્રા સવારે ૮ઃ૩૦ વાગ્યાથી નીકળશે એના પછી બપોરે દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા તથા સંતોના આશીર્વાદ યોજાશે.
આ પ્રસંગે તારીખ ૨૭ અને ૨૮મી માર્ચના સાંજે ૬ થી ૯ તથા પહેલી તારીખે સાંજે સાડા પાંચથી સાડા સાત દરમિયાન વચનામૃત કથા યોજાશે. ૨૭મી તારીખથી સાંજે ૫ઃ૩૦ વાગે સિલ્વર પાર્કથી પોથીયાત્રા નીકળશે. ત્રણે દિવસ સાંજે ૫ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી અભિષેક મહોત્સવ પણ યોજાશે. ૨૮મી તારીખે હરિકૃષ્ણ મહારાજની રજતતુલા થશે. ગુરુવર્ય પ.પૂ. સ્વામીની આજ્ઞાથી સાધુ નિર્ગુણજીવનદાસ, સાધુ નિનિપ્રિયદાસ, સાધુ ત્યાગસ્વરૂપદાસ, સાધુ વર્તનપ્રિયદાસ, સાધુ મુનિપ્રિયદાસ, સાધુ દયાનીધીદાસ, સાધુ શાંતસ્વરૂપદાસ તથા ભુજ સત્સંગ મંડળ દ્વારા સર્વે ભક્તોને ઉપસ્થિત રહેવા સ્નેહભર્યું આમંત્રણ અપાયું છે. આ પ્રસંગે પહેલા બે દિવસ સાંજે ૮ઃ૩૦ વાગે તથા પહેલી માર્ચે બંને ટાઈમ ભક્તો તથા આમંત્રિતો માટે પ્રસાદભોજન યોજાશે.
-----

Comments