મુંદરામાં એકસાથે સાત વીજ થાંભલા ધરાશાયી થતાં તંત્ર દોડતું થ
રહેણાંક અને સરકારી કચેરીઓના વિસ્તારોમાં રાત્રિના સમયે અંધકારપટ : વીજ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરાયું સમારકામ : વીજપોલ ધારાશાહી થવાના કારણોની તપાસ શરૂ
મુંદરા - કચ્છઉદય : મુંદરા શહેરમાં ગત રાત્રિ દરમિયાન મામલતદાર કચેરી અને કોર્ટ સંકુલની આસપાસના વિસ્તારમાં એકાએક સાત જેટલા વીજ થાંભલા ધરાશાયી થવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે આસપાસના રહેણાંક અને સરકારી કચેરીઓના વિસ્તારોમાં રાત્રિના સમયે અંધકારપટ છવાઈ ગયો હતો. વહેલી સવારથી જ વીજ પુરવઠો ખોરવાઈ જતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ બનાવ અંગે મુન્દ્રા પીજીવીસીએલ વિભાગના નાયબ ઇજનેર પંકજ અમીને વિગતો આપતા જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાની સાથે જ જીઈબીની ટીમોને રવાના કરી દેવામાં આવી હતી.
આજે સવારથી જ વીજકર્મીઓ દ્વારા યુદ્ધના ધોરણે નવા થાંભલા ઊભા કરી વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં વીજ થાંભલા એકસાથે કયા કારણોસર પડ્યા તે એક તપાસનો વિષય છે. આ માત્ર એક અકસ્માત છે કે પછી કોઈ અસામાજિક તત્વો દ્વારા ઈરાદાપૂર્વક થાંભલા પાડવામાં આવ્યા છે તે દિશામાં પણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ગંભીર બાબતે મુન્દ્રા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવા અંગે હાલ વિચારણા ચાલી રહી હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

Comments