ગાંધીધામ-પુરી એક્સપ્રેસમાંથી બિનવારસી ૧૦ લાખનો ગાંજો ઝડપાયો
નશાકારક પદાર્થોની હેરાફેરી નેસ્ત-નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલા ‘મિશન સેફ સ્ટેશન’ અભિયાન હેઠળ રેલવે પોલીસને મોટી સફળતા
ગાંધીધામ - કચ્છઉદય : ગુજરાતમાં નશાકારક પદાર્થોની હેરાફેરી નેસ્ત-નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલા ‘મિશન સેફ સ્ટેશન’ અભિયાન હેઠળ રેલવે પોલીસને મોટી સફળતા મળી છે. પશ્ચિમ રેલવે વડોદરાની એસ.ઓ.જી. અને એન.ડી. પી. એસ. ડેડીકેટેડ ટીમે પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી ૧૦.૪૮ લાખની કિંમતનો ૨૦.૭૯૫ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે વડોદરા રેલવે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.પી. રવિયા અને તેમની ટીમ પુરી-ગાંધીધામ એક્સપ્રેસમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ટ્રેન બારડોલી સ્ટેશન પસાર કરી સુરત તરફ આવી રહી હતી. ત્યારે કોચ નં. એસ/૫ અને એસ/૬ના કોરીડોરમાંથી ત્રણ શંકાસ્પદ બેકપેક મળી આવ્યા હતા. તપાસને આગળ ધપાવતા એસ/૫ કોચના બાથરૂમ નંબર ૩ની ઉપરના પાટિયાના બોલ્ટ ખોલી તપાસ કરતા તેમાંથી વધુ ત્રણ હાથથેલીઓ મળી આવી હતી. આરોપી મુદ્દામાલ મુકી ફરાર પોલીસે તમામ બેગની તપાસ કરતા તેમાંથી કુલ ૨૦.૭૯૫ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત ૧૦,૪૮,૭૫૦ રૂપિયા થાય છે. પ્રાથમિક તપાસ મુજબ, કોઈ અજાણ્યો ઇસમ આ જથ્થો પરપ્રાંતમાંથી આર્થિક લાભ માટે લાવ્યો હતો, પરંતુ પોલીસના ચેકિંગના ડરથી મુદ્દામાલ બિનવારસી હાલતમાં છોડીને નાસી છૂટ્યો હતો. આ અંગે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Comments