Trending News
સ્થાનિક સમાચાર

રાપર એસટી ડેપો પાસે જર્જરિત બિલ્ડિંગનો છજો તૂટી પડ્યો; ૧૦થી વધુ વાહનો દબાયા

19 February



સદનસીબે જાનહાનિ ટળી પણ શહેરમાં ભયનો માહોલ 

રાપર - કચ્છ ઉદય : શહેરમાં આજે સવારે એક મોટી દુર્ઘટના બની છે. એસટી ડેપો પાસે આવેલી અને ભૂકંપ પૂર્વેની નિર્મિત આંખની હોસ્પિટલ વાળી જર્જરિત ઇમારતનો કઠોડો અચાનક તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં નીચે પાર્ક કરેલા અંદાજે ૧૦ જેટલા વાહનો કાટમાળ નીચે દબાઈ જવાથી ભારે નુકસાન થયું છે.આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ જ્યારે એસટી ડેપોથી સલારીનાકા તરફનો માર્ગ લોકોની અવરજવરથી ધમધમતો હતો, ત્યારે અચાનક જ હોસ્પિટલના બિલ્ડિંગનો જર્જરિત ભાગ ધરાશાયી થયો હતો. જે સમયે કાટમાળ પડ્યો, તે ક્ષણે ત્યાંથી કોઈ વ્યક્તિ પસાર ન થઈ રહી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. બિલ્ડિંગની નીચે આવેલી ૮-૧૦ દુકાનોની બહાર પાર્ક કરેલા બાઇક અને અન્ય વાહનો કાટમાળ નીચે કચડાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, નગરપાલિકાનો સ્ટાફ, પીજીવીસીએલ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને જરૂરી કામગીરી હાથ ધરી હતી. 
સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે આ બિલ્ડિંગ અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં તેમાં હોસ્પિટલ કાર્યરત છે. ભૂકંપ પહેલાનું આ બાંધકામ ગમે ત્યારે પડી શકે તેવી હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કેમ કોઈ પગલાં લેવાયા નહોતા, તેવો પ્રશ્ન ઊભો થયો છે. રાપર શહેરમાં આવી અનેક જર્જરિત ઇમારતો આવેલી છે. જો તંત્ર દ્વારા આ બિલ્ડિંગો ઉતારી લેવા માટે તાત્કાલિક કડક કાર્યવાહી નહીં કરવામાં આવે, તો ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાઈ શકે છે તેમ લોકો જણાવી રહ્યા છે. 

 

Comments

COMMENT / REPLY FROM