ધ્વજારોહણ માત્ર ઉત્સવ નથી, પરંતુ આત્મશુદ્ધિ અને શાસન પ્રત્યેની ભક્તિનું પ્રતિક છે :મુનિ નયશેખર મહારાજ સાહેબ
મીરપુર પારસમણી તીર્થે દ્વિતીય ધ્વજારોહણોત્સવે જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ સંપન્ન
ભુજ - કચ્છઉદય : મીરપુર તીર્થે જહાજ મંદિર નવગ્રહ યુક્ત મુનિ સુવ્રતસ્વામી જહાજ મંદિર, બટુક ભૈરવ શક્તિપીઠ એવં ક્ષેત્રપાલ વીર મંદિરનો દ્વિતીય ધ્વજારોહણ ભક્તિ મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે યોગવરિષ્ઠ મુનિ પાર્શ્વયશચંદ્રજી મહારાજ સાહેબ, મૌનવરિષ્ઠ મુનિ પુણ્યરત્નચંદ્રજી મહારાજ સાહેબ, મુનિરાજ નયશેખર મહારાજ સાહેબ એવં સાધ્વીજી ભગવંત આદિ ઠાના-૧૫ ઉપસ્થિત રહ્યા હતા. આ તીર્થનું નિર્માણ યુગપ્રધાન, દાદા ગુરુદેવ, પાર્શ્વચંદ્ર સૂરીશ્વજી મહારાજાની જન્મ ભૂમિના ઉપલક્ષમાં નિર્માણ પામેલ છે.આ પ્રસંગે પ્રથમ દિવસે સવારે ૯ કલાકે અઢાર અભિષેક, બપોરે ૨ કલાકે દાદા ગુરુદેવની પૂજા, રાત્રે ૮ કલાકે ભક્તિ ભવના યોજાઈ હતી. બીજા દિવસે સવારે ૯ વાગે લાભાર્થી પરિવારના ગૃહ આંગણેથી વાજતે-ગાજતે ચર્તુવિધ સંઘ સાથે ધ્વજા લઈ જીનાલય મધ્યે પધારેલ હતા. ત્યારબાદ સત્તરભેદી પૂજાનો પ્રારંભ થયેલ અને વિજયમુહૂર્તમાં ધ્વજારોહણ થયો હતો. આ પ્રસંગે મુનિરાજ નયશેખર મહારાજ સાહેબે જણાવેલ કે, જૈન શાસનમાં ધ્વજારોહણ માત્ર એક વિધિ નથી, પરંતુ તે શ્રદ્ધા, ભક્તિ અને આત્મજાગૃતિનું પ્રતિક છે. દેરાસર ઉપર ફરકતો ધ્વજ વિજય, પવિત્રતા અને સમ્યક દર્શનનો સંદેશ આપે છે. જ્યારે દ્વિતીય ધ્વજારોહણ ભક્તિ મહોત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે તે ભક્તોના હૃદયમાં નવી ઉર્જા અને નવી પ્રેરણા જગાવે છે. અંતમાં કહી શકાય કે દ્વિતીય ધ્વજારોહણ ભક્તિ મહોત્સવ માત્ર ઉત્સવ નથી, પરંતુ આત્મશુદ્ધિ અને શાસન પ્રત્યેની અખંડ ભક્તિનું દિવ્ય પ્રતિક છે. આ દ્વિતીય ધ્વજારોહણ મહોત્સવનો સંપૂર્ણ લાભ નિર્મલાબેન બીજયરાજજી ચૌધરી હસ્તે શિલ્પાબેન મનોજભાઈ ચૌધરી ગામ-નાગૌર, મીરપુર, હાલે-કલકત્તા પરિવારે લાભ લીધો હતો. આ પ્રસંગે જૈન શ્વેતાંબર પાર્શ્વચંદ્રસૂરીશ્વર ધામ ટ્રસ્ટે બહારગામથી પધારેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતુું. આ ધ્વજારોહણ પ્રસંગે જીવદયા, સાધર્મિક ભક્તિ, પ્રભુજીને આંગી, રંગોલી આદિ કાર્યો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુંબઇ, કલકત્તા, બેંગ્લોર, અમદાવાદ, રાજસ્થાન, કચ્છ, સિરોહી વગેરેથી ભાવિકો મોટી સંખ્યામાં પધાર્યા હતા.

Comments