Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રામાં ઉસ્કેરાયેલા ટોળાએ પોલીસ  વાહનો પર પથ્થરમારો કરી ગાડી સળગાવી 

18 February

ઔદ્યોગિક શહેરમાં પોલીસની નબળી કામગીરી સામે વધતો આક્રોશ 


અદાણી કંપનીની એમપીએલ કોલોનીમાં શ્રમિકે આપઘાત કર્યા બાદ તપાસ માટે ગયેલી પોલીસ સાથે ઘર્ષણ : ૩૩ શખ્સોને રાઉન્ડઅપ કરાયા 



મુન્દ્રા - કચ્છ ઉદય :  ઔદ્યોગિક શહેર મુન્દ્રામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસની નબળી કામગીરીના કારણે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. એક બાદ એક કાયદો વ્યવસ્થાનો ભંગ કરતી ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં લૂંટનો બનાવ બન્યો તેમાં એક આરોપીને વેપારીએ પકડ્યો અને તેના આધારે બીજો આરોપી ભુજમાંથી એલસીબીએ પકડ્યો પરંતુ મુન્દ્રા પોલીસ આ ચકચારી બનાવમાં આરોપીઓ સુધી પહોંચવામાં ૧૦ દિવસ બાદ પણ નિષ્ફળ રહેતા વેપારીઓમાં ભારે નારાજગી છે. આ વચ્ચે ગઈકાલે રાત્રે મુન્દ્રામાં અદાણી કંપનીની એમપીએલ કોલોનીમાં એક લેબરે આત્મહત્યા કરી હતી. ગઈકાલે રાત્રે પોલીસ તપાસ માટે ગઈ હતી ત્યારે ઉસ્કેરાયેલા ટોળાએ પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થયું અને ઉસ્કેરાયેલા ટોળાએ ખાનગી વાહનમાં આગ લગાવી હતી. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસ ફોર્સ ઉતારવામાં આવી હતી. જે બાદ ૩૩ જેટલા શ્રમિકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે વધુ માહિતી જાણવા મુન્દ્રા પીઆઈ એસ.એમ. રાણાનો સંપર્ક કરતા થઈ શક્યો ન હતો. 
દરમિયાન સ્થાનિક વર્તુળોમાંથી જાણવા મળતી માહિતી મુજબ કાંડાગરા ગામ નજીક એમપીએલ લેબર કોલોની આવેલી  છે. આ કોલોનીમાં રહેતા ૩૧ વર્ષિય નિરજકુમાર ભાગેન્દ્ર મહંતો નામના પરપ્રાંતિય શ્રમિકે રૂમમાં આપઘાત કરી લીધો હતો. મુન્દ્રા પોલીસને જાણ કરાતા પોલીસ પંચનામુ કરવા માટે ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવાનું કહેતા આસપાસના મજૂરોએ જ્યાં સુધી નિરજના પરિવારજનો ન આવે ત્યાંથી લાશ રૂમમાંથી બહાર નહીં જાય તેવો આગ્રહ રાખ્યો હતો. પોલીસે પીએમ માટે લાશ લઈ જવી પડશે તેમ કહેતા બન્ને પક્ષે ઘર્ષણ થયું, મજૂરો મોટી સંખ્યામાં ભેગા થઈ જતા પોલીસે પીછે હટ કરી અને પરત જતા હતા ત્યારે મજૂરોએ પોલીસના વાહનો પર પથ્થર મારો કર્યો હતો. પોલીસ કર્મચારીઓ જીવ બચાવીને ભાગી ગયા, ઉસ્કેરાયેલા લોકોએ એક વાહનને સળગાવી દીધું હતું. આ બનાવ બાદ લેબર કોલોનીમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. 


..................
અગાઉ પણ આ જ કોલોનીમાં ડખ્ખો થયો હતો 
અગાઉ પણ આ કોલોનીમાં મજૂરો અને સિક્યુરીટી વચ્ચે પાણી મુદ્દે ઘર્ષણ અને તોડફોડ સુધી મામલો પહોંચ્યો હતો ત્યારે પોલીસે જઈને સામાધાન કરાવ્યું હતું આજે પોલીસ અને મજૂરો વચ્ચે ઘર્ષણ થયેું તેમાં પોલીસને મજૂરોથી બચીને ભાગવાની નોબત આવી હતી. 

 

Comments

COMMENT / REPLY FROM