રાપર અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે વહિવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારી
ગાંધીધામ - કચ્છઉદય : તાજેતરમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ રાપર શહેર તથા ગ્રામ્ય વિસ્તારો માટે મુલાકાત લીધી હતી. આગામી પંદર માર્ચથી નર્મદાની મુખ્ય કેનાલ સાફ સફાઇ અને રિપેરીંગ કામ માટે બે મહિના સુધી બંધ રાખવામા આવશે. ત્યારે રાપર તાલુકાના ૯૭ ગામ, ૨૨૭ વાંઢ તથા ખડીરના બાર ગામ સહિતના વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી ઉભી ન થાય તે માટે તથા રાપર શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કરવા માટે જે તે વિભાગના અધિકારીઓ તથા હોદેદારો સાથે સંકલન કરી આગોતરી તૈયારી કરવા માટે કટિબદ્ધ બન્યા છે. કચ્છની મુખ્ય બ્રાન્ચ કેનાલ ખાતે નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ચીફ ઓફિસર તરૂણદાન ગઢવી, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પીએ વિનુભાઈ થાનકી, હકુમતસિંહ સોઢા, માવજીભાઈ મેરીયા, હરેશ સુથાર, ડોલરભાઈ ગોર વિગેરેએ મુલાકાત લીધી હતી. પ્રમુખ અને ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે માર્ચની પંદર તારીખથી કેનાલ બંધ બે મહિના રહેશે, તે દરમ્યાન રાપરના લોકો તથા પશુઓને પીવાના પાણીની સમસ્યા ન થાય તે માટે નગરપાલિકા દ્વારા દિવસ રાત નગાસર તળાવમા પીવાના પાણીથી ભરવા માટે કામગીરી એક સપ્તાહ અગાઉથી કરવા મા આવી રહી છે. ઉપરાંત સેલારીથી નંદાસર સુધીની કેનાલના બને સાઈડના ધર બંધ કરી દેવામાં આવશે એટલે પાણી પીવા માટે અનામત રાખવામા આવશે. પાલિકા દ્વારા પાણી પુરવઠા બોર્ડ પાસે સામખિયાળીથી દરરોજ ચાર એમએલડી પાણી આપવા માટે લેખિત માંગ કરવામાં આવી છે. વિનુભાઈ થાનકીએ જણાવ્યું હતું કે, રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ન ઉદભવે તે માટે નર્મદા કેનાલમા જ્યારે પાણીનો રિઝર્વ સ્ટોક હશે તે ચોરી ન થાય તે માટે બકનળી એન્જીન બંધ કરી દેવામાં આવશે. રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરવામાં આવશે. આગામી દિવસોમાં કેનાલ બંધ રહેશે તે દરમિયાન પીવાના પાણીની સમસ્યા ન ઉદભવે તે માટે તંત્રએ આગોતરી તૈયારી કરી દીધી છે.

Comments