ભુજમાં કરોડોના ખર્ચે રસ્તાઓના મજબૂતીકરણની કામગીરીમાં વ્યાપક લોલમલોલ
ભુજવાસીઓ માટે નવી આફતને નોતરૂ ?
કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને જિલ્લા કલેકટર આનંદ પટેલ આ મામલે કડક વલણ અપનાવે : નગરપાલિકાના ચીફ ઓફિસર ટિ્વંકલ પટેલ અને પ્રાંત અધિકારી અનિલ જાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની ગુણવત્તા તપાસે : કોન્ટ્રાકટર અને તંત્રના ઈજનેરોની લાપરવાહીનું લે પુછાણું
ટેકનિકલ ખામીઓને કારણે ચોમાસામાં જળબંબાકારની ભીતિ : રસ્તાઓના આડેધડ રિસર્ફેસિંગથી ઊંચાઈ વધતા વાહનચાલકો પરેશાન : ટેકનિકલ માપદંડોને નેવે મૂકવામાં આવ્યા હોવાનો કચવાટ
રસ્તાઓની આડેધડ વધતી ઊંચાઈ આવનારા ચોમાસામાં ભુજ માટે વિનાશક સાબિત થશે : રસ્તાઓ ઊંચા થઈ જવાથી વરસાદી પાણીનો કુદરતી નિકાલ અવરોધાશે : પ્રજાના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા પાણીમાં જશે : જાગૃત ભુજવાસીઓએ વ્યક્ત કર્યો આક્રોશ
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરમાં હાલમાં રસ્તાઓના આધુનિકીકરણ અને રિસર્ફેસિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ભુજ શહેરના આંતરિક રસ્તાઓ અને રિંગ રોડના નવીનીકરણ માટે કરોડની માતબર રકમનું બજેટ ફાળવવામાં આવ્યું છે. છતાં પણ રોડ બનાવવામાં કાળજી શા માટે ? આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના વધતા જતા ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને જર્જરિત રસ્તાઓને વધુ ટકાઉ બનાવી પ્રજાને સુવિધા આપવાનો છે. ભુજ નગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગના સંકલન હેઠળ આ કામગીરી ચાલી રહી છે, પરંતુ વિકાસના આ કામો અત્યારે ભુજવાસીઓ માટે નવી આફત નોતરી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. શહેરના વિવિધ માર્ગો પર ડામરના નવા લેયર ચડાવીને રિસર્ફેસિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેમાં જરૂરી ટેકનિકલ માપદંડોને નેવે મૂકવામાં આવ્યા હોવાની બૂમ ઉઠી છે.
હાલમાં જે રીતે રસ્તાઓ પર ડામરના થર પર થર ચડાવવામાં આવી રહ્યા છે તેના કારણે રસ્તાઓની ઊંચાઈમાં ધરખમ વધારો થયો છે. રસ્તાઓ ઊંચા થઈ જવાથી રસ્તાની બંને બાજુના ભાગો ઊંડા ઉતરી ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડથી વાણીયાવાડ તરફ આવતા માર્ગ પર વી.ડી. હાઈસ્કૂલ પાસેથી જે રસ્તો મુખ્ય રોડને મળે છે, ત્યાં ઊંચાઈનો એટલો મોટો તફાવત સર્જાયો છે કે ટુ-વ્હીલર ચાલકો, ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધો માટે અહીંથી વાહન પસાર કરવું જોખમી બની ગયું છે. આવી જ હાલત સ્ટેશન રોડ અને અન્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે. અનેક વાહનચાલકો આ ઊંચા-નીચા રસ્તાઓને કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે, છતાં તંત્ર દ્વારા આ ટેકનિકલ ખામી સુધારવાની કોઈ તસ્દી લેવામાં આવતી નથી.
શહેરના જાગૃત નાગરિકો અને એન્જિનિયરિંગના જાણકારોના મતે, રસ્તાઓની આડેધડ વધતી ઊંચાઈ આવનારા ચોમાસામાં ભુજ માટે વિનાશક સાબિત થઈ શકે છે. રસ્તાઓ રહેણાંક વિસ્તારો અને દુકાનોના તળિયા કરતા ઊંચા થઈ જવાથી વરસાદી પાણીનો કુદરતી નિકાલ અવરોધાશે. પરિણામે, સામાન્ય વરસાદમાં પણ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને બજારોમાં જળભરાવની ગંભીર સમસ્યા સર્જાશે. તંત્રના જવાબદાર ઇજનેરોની હાજરીમાં જ ચાલી રહેલી આ કામગીરીમાં વ્યાપકપણે ’લીપાપોતી’ થઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પ્રબુદ્ધ નાગરિકોનું કહેવું છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને સત્તાધારી પક્ષ રસ્તાઓના કામો તો કરાવી રહ્યો છે, પરંતુ આયોજનના અભાવે આ સુવિધા લાંબો સમય ટકશે નહીં અને પ્રજાના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા પાણીમાં જશે.
ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે શહેરીજનોને ખખડધજ રસ્તાઓની પીડામાંથી મુક્તિ અપાવવા માટે અંગત રસ લઈ સરકારમાંથી કરોડોની ગ્રાન્ટ મંજૂર કરાવી છે, પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની લાલિયાવાડીને કારણે આ ઉમદા હેતુ બર આવતો દેખાતો નથી. માર્ગ અને મકાન વિભાગ, ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ (ભાડા) અને નગરપાલિકાના સત્તાધીશો જાણે કે આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ જણાય છે. ભુજની જનતામાં એવી પ્રબળ લાગણી પ્રવર્તી રહી છે કે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને જિલ્લા કલેકટર આનંદ પટેલ આ મામલે કડક વલણ અપનાવે. નગરપાલિકાના ચીફ ઓફિસર ટિ્વંકલ પટેલ અને પ્રાંત અધિકારી અનિલ જાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની ગુણવત્તા તપાસે અને રસ્તાની ઊંચાઈ સપ્રમાણ રાખી પાણીના નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરે તે અત્યંત જરૂરી બન્યું છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે, તો આ આધુનિકીકરણ ભુજવાસીઓ માટે સુવિધાને બદલે દુવિધા બનીને રહી જશે.
અત્રે ઉલેખનીયની છે કે, ભુજ શહેરમાં નવા રોડ બની રહ્યા છે. ત્યારે રોડની આજુબાજુમાં કેબલ, વીજ થાંભલા સહિતના ઉપકરણોને ધ્યાને લઈને કામગીરી કરવાની હોય તે રોડ બનાવતી વખતે કોન્ટ્રાકટરો દ્વારા કાળજી રાખવામાં આવી રહી નથી, જેના કારણે ભવિષ્યમાં સમસ્યાઓ સર્જાશે.
.................
વિવાદમાં રહેલા અધિકારીઓના ભરોસે ભુજની કામગીરી
બદલીઓના દોરમાં પણ ‘જૂના જોગી’ અકબંધ
ભુજ - કચ્છઉદય : ભુજમાં કરોડોના ખર્ચે જ્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓના મજબૂતીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે આ કામની ગુણવત્તા પર દેખરેખ રાખનારા તંત્રના કેટલાક અધિકારીઓની છબી સામે જ ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને લાંબા સમયથી માર્ગ અને મકાન વિભાગના અધિકારી ચિરાગ ડોડીયાની ભૂમિકા અત્યારે ચર્ચાના ચકડોળે ચડી છે. તેમના હસ્તક થયેલા કામનોએ પણ અનેક વખત ચર્ચાઓ જગાવી છે. ઉલ્લેખનીય છે કે, આ અધિકારી અગાઉ ભુજની એક જાણીતી હોટલમાંથી જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હોવાના કિસ્સાએ ભારે ચકચાર જગાવી હતી. કાયદાકીય ગુંચવણો અને નૈતિક મૂલ્યોના ભંગ સમાન આવા ગંભીર કિસ્સામાં સંડોવાયેલા હોવા છતાં, તેમની સામે આજદિન સુધી કોઈ નક્કર ખાતાકીય પગલાં લેવામાં આવ્યા નથી તે વાત આશ્ચર્ય જન્માવે છે.
તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવા માટે વિવિધ વિભાગોમાં મોટા પાયે સામુહિક બદલીઓનો દોર ચલાવવામાં આવ્યો હતો. આમ છતાં વિવાદોમાં ઘેરાયેલા આવા અધિકારીઓ હજુ સુધી પોતાના જૂના સ્થાને જ કેવી રીતે ચીટકી બેઠા છે તે બાબત ભુજની સામાન્ય પ્રજા માટે તર્ક વિતર્કનો વિષય બની છે. પ્રજામાં એવી ચર્ચા છે કે જેમના પોતાના કામ અને આચરણ શંકાના દાયરામાં હોય તેવા અધિકારીઓ કરોડોના ખર્ચની કામગીરીમાં કેટલી પ્રમાણિકતા જાળવશે?

Comments