સીએમ ગૌમાતા પોષણ યોજના માં કચ્છમાં ગોલમાલની ગંધ લખપત સબસીડી કાંડ તાજો દાખલો : અન્યત્ર તપાસ કરો.!
સરકારી સબસીડીના નીતનિયમોની ઐસીતૈસી કરી, માત્ર કાગળ પર જ પશુઓ દર્શાવીને પ્રજાના ટેક્ષની રકમ પર ઉઘાડી લુંટ તો નથી ચલાવાતી ને? અગાઉના પશુપાલન વિભાગના અમુક લાપરવાહા અધીકારીઓએ કુલડીમાં ગોળ ભાંગ્યાનો લખપતના બે ઢોરવાડાના કિસ્સામાં થઈ ચૂકયુ છે પાધરૂં : હજુ પણ લખપતમાં બોગસ સબસીડી ચાંઉ કરનારાઓ સામે ન તો પોલીસે એફઆઈઆર દાખલ કરી છે ન તો જિલ્લા કક્ષાએથી આ ઢોરવાડાવાળાઓ પાસેથી પેનલ્ટી સાથે લાખોની રકમની વસુલાત કરાઈ? તેની પાછળનું રહસ્ય શું?
પશુઓના નિભાવ માટે અપાતી સહાયમાં મોટું કૌભાંડ હોવાની ચર્ચા : યોજનાનો મૂળ હેતુ અશક્ત અને નિરાધાર પશુઓને સહાય કરવાનો પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ : કેટલાક વિસ્તારોમાં પશુપાલકોની માલિકીની અને દૂધ આપતી ભેંસોને કાગળ પર પાંજરાપોળમાં નોંધાયેલી બતાવી
પશુઓ ખેતરે કે વાડામાં હોવા છતાં તેમના નામે પાંજરાપોળ દ્વારા સરકારી સહાય મેળવી લેવામાં આવતી હોવાની આશંકા : સરકારી નાણાંનો દુરુપયોગ થતો હોવાના આક્ષેપ સાથે તટસ્થ તપાસની જાગૃત નાગરિકોએ કરી માંગ
ખાટલે મોટી ખોટ : ગુજરાત રાજયના મૃદુ અને મકકમ સીએમશ્રી ગૌમાતા પ્રત્યે કરૂણા અને સંવેદના દાખવી રહ્યા છે, અને સબસીડીની રકમો આપી રહી છે, પરંતુ ગાય માટે અપાતી આ યોજનાનો ગેરલાભ ભેંસોને કાગળ પર દેખાડીને તો નથી કરવામાં આવતો ને? જો આમ હોય તો આવા કેટલા તત્વોની સામે જિલ્લા પ્રશાસને કરી છે લાલઆંખ?
ગાંધીધામ - કચ્છઉદય : ગુજરાત સરકાર દ્વારા ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં આશરો લેતા નિરાધાર પશુઓના ઘાસચારા અને પોષણ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ
પાંજરાપોળમાં નોંધાયેલા ગાય અને ભેંસ વર્ગના પશુ દીઠ દૈનિક ૩૦ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. કચ્છ જિલ્લામાં પશુપાલન એ આજીવિકાનું મુખ્ય સાધન હોવાથી અહીં સેંકડો સંસ્થાઓ આ યોજનાનો લાભ લઈ રહી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી કચ્છ જિલ્લામાં આ યોજનાના અમલીકરણમાં ગંભીર શરતભંગ અને નાણાકીય અનિયમિતતાઓ થઈ રહી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જાણકારોના મતે આ યોજનાનો મૂળ હેતુ અશક્ત અને નિરાધાર
પશુઓને સહાય કરવાનો છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે.તાજતરમા જ વર્તમાન જિલ્લા પશુપાલન અધિકારીશ્રીએ કલેકટરશ્રીના સુચન અને માર્ગદર્શન બાદ સરકારી યોજનાઓનો લાભ લેતી હોવા ઉપરાંત પણ ગાંધીધામ મનપાએ સુચવેલ અબોલ જીવો રાખવાનો ધસીને ઈન્કાર કરી દેનારી સંસ્થાઓ સામે કડકાઈ કરી છે તો વળી એથી પહેલા પણ કચ્છના લખપત જેવા તાલુકામાં બે જેટલાઢોરવાડામાં સીએમ સબસીડી પોષણ યોજના હેઠળ રપ લાખ જેટલી રકમ બોગસ રીતે પડાવી લીધો હોવાનો ગંભીર કીસ્સો ખુદ સરકારી રેકર્ડ પર જ સામે આવવા પામી ગયો છે. કચ્છ કલેકટરશ્રીએ આ કેસમાં તપાસનાઆદેશો આપ્યા હતા, એલસીબીને તપાસ સોપાઈ હતી પરંતુ હજુ સુધી આ કેસમાં ન તો ફોજદારી ફરીયાદ દાખલ થવા પામી છે ન તો, બોગસ રીતે લાખોની સબસીડી ચાંઉ કરી જનારાઓની સામે પેનલ્ટીની ફટકાર લગાવી અને તેનાથી જે-તે રકમ વસુલ કરવામાં આવી છે. દરમ્યાન જ હવે પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, લખપત બોગસ સબસીડી કાંડનો કિસ્સો તાજો જ છે, તેવા સમયે હવે જિલ્લમાં અન્યત્ર પણ તપાસ કરવી જરૂરી બની રહી છે કે, આવી જ ગોલમાલ અન્યત્ર કયાંય નથી ચાલી રહી ને? સ્થાનિક સ્તરેથી પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છની કેટલીક ગૌશાળાઓ અને પાંજરાપોળો દ્વારા યોજનાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ચર્ચા એવી છે કે, અમુક સંસ્થાઓ બીમાર અને નબળા પશુઓને આશરો આપવામાં આનાકાની કરી રહી છે. બીજી તરફ સૌથી મોટું કૌભાંડ ભેંસ વર્ગના પશુઓની નોંધણીમાં ચાલી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નિયમ મુજબ સહાય માત્ર સંસ્થામાં નિભાવ થતા પશુઓ માટે જ મળવાપાત્ર છે પરંતુ કચ્છના કેટલાક વિસ્તારોમાં પશુપાલકોની માલિકીની અને દૂધ આપતી ભેંસોને કાગળ પર પાંજરાપોળમાં નોંધાયેલી બતાવી દેવામાં આવી હોવાનુ મનાય છે. આ રીતે માલિકીના પશુઓ ખેતરે કે વાડામાં હોવા છતાં તેમના નામે પાંજરાપોળ દ્વારા સરકારી સહાય મેળવી લેવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો ચર્ચાય છે. આ સમગ્ર પ્રકરણમાં પશુઓના ટેગિંગ અને ઓનલાઈન પોર્ટલ પરની નોંધણીમાં પણ મિલીભગત હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. જે પશુઓ વાસ્તવમાં સંસ્થાના પરિસરમાં હાજર જ નથી તેમની દૈનિક હાજરી પુરાવીને લાખો રૂપિયાની સબસિડી ઓહિયાં કરવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
...............
કલેકટરશ્રી તપાસ કરાવે
તો કઈક ભોપાળાઓ ખુલશે.?
ગાંધીધામ : જાણકારો કહી રહ્યા છે કે, જો જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતે ઓચિંતી તપાસ કરવામાં આવે અને પાંજરાપોળમાં રહેલા
પશુઓની પ્રત્યક્ષ ગણતરી સાથે ટેગિંગનું વેરિફિકેશન કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. પશુઓના કલ્યાણ માટે ફાળવવામાં આવતા જાહેર નાણાંનો આ પ્રકારે થતો દુરુપયોગ અટકાવવા માટે જવાબદાર તંત્રો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Comments