ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય : કચ્છમાં ઇનામી જમીનોના કબજાહક્ક હવે થશે નિયમબદ્ધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખેડૂતલક્ષી પહેલ : જંત્રીના માત્ર ૨૦% ભરીને જમીન કાયદેસર કરાવી શકાશે
ગાંધીધામ : રાજ્યના ખેડૂતો અને જમીન ધારકો માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક અત્યંત રાહતકારી નિર્ણયની જાહેરાત કરી છે. રાજ્યમાં વર્ષોથી વણઉકેલ્યા રહેલા વિવિધ ‘ઇનામી જમીનો’ના અનઅધિકૃત કબજાહક્કોને નિયમબદ્ધ કરવા માટે સરકારે દ્વાર ખોલ્યા છે. આ નિર્ણયથી ખાસ કરીને કચ્છ જેવા વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવતા જિલ્લાના ખેડૂતોને વર્ષો જૂની કાયદાકીય ગૂંચવણોમાંથી મુક્તિ મળશે.
કચ્છ જિલ્લો વિશિષ્ટ મહેસૂલી ઇતિહાસ ધરાવે છે, જ્યાં અનેક જમીનો ઇનામી કે ગરાસદારી પ્રથા હેઠળની હતી. આ નિર્ણયથી કચ્છના ખેડૂતોને જે ફાયદાઓ થશે તેની વાત કરીએ તો જૂની ગૂંચવણોનો અંત આવી શકે છે. એટલે કે, કચ્છમાં એવી અનેક જમીનો છે જે રિગ્રાન્ટ (પુનઃ ફાળવણી) થવાને પાત્ર હતી પણ ટેકનિકલ કારણોસર અટવાયેલી હતી. હવે તે સરળતાથી ક્લિયર થશે.આ ઉપરાંત ખેડૂત ખાતેદારનો દરજ્જાને લઈને વિસંગતતાઓ દુર થઈ શકશે. અનેક પરિવારો
પેઢીઓથી જમીન ખેડતા હોવા છતાં રેકર્ડ પર વિસંગતતા હતી, જે હવે દૂર થવા પામી શકે છે. પ્રવર્તમાન જંત્રીના માત્ર ૨૦ ટકા રકમ ભરીને માલિકી હક્ક મેળવવાની તક મળતા મધ્યમ વર્ગના ખેડૂતો પર આર્થિક બોજ ઘટવા પામશે.
કોને મળશે આ નિર્ણયનો સીધો લાભ? તેની જો વાત કરીએ તો આ નવી નીતિ હેઠળ મુખ્યત્વે ત્રણ પ્રકારના કિસ્સાઓને આવરી લેવામાં આવ્યા છે. જે જમીનો રિગ્રાન્ટ થયેલી છે પરંતુ તેની નિયત કબજા કિંમત ભરવાની બાકી છે તેવા ધારકો, જે જમીનો રિગ્રાન્ટ કરવાને પાત્ર છે પણ કોઈ કારણસર હજુ સુધી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી તેવા મૂળ માલિકો કે વારસદારો. સૌથી મહત્વની વાત એ છે કે, જે જમીનો ભૂતકાળમાં તબદીલ (વેચાણ) થઈ ગઈ હોય અને હાલ કોઈ અન્ય વ્યક્તિના કબજામાં હોય, તેમને પણ આ નિયમબદ્ધ કરવાનો લાભ મળવા પામી શકે છે. ખેડૂતોના હિતમાં લેવાયેલ આ નિર્ણય ગુજરાતના
કૃષિ ક્ષેત્ર અને મહેસૂલી વ્યવસ્થાને નવી ગતિ આપશે.
.................
સરળ પ્રક્રિયા અને પારદર્શિતા
ગાંધીધામ : રાજ્ય સરકારના આ નિર્ણયથી મહેસૂલી તંત્રમાં
પડતર કેસોનો નિકાલ આવશે. ખેડૂતોએ હવે લાંબી કાયદાકીય લડતને બદલે નિર્ધારિત ફી ભરીને પોતાની જમીન પર કાયદેસરનો હક્ક મેળવી શકશે. આ નિર્ણયથી જમીન સંપાદન, લોન મેળવવાની પ્રક્રિયા અને વારસાઈ હક્કોની નોંધણીમાં આવતી અડચણો દૂર થશે.

Comments