Trending News
સ્થાનિક સમાચાર

જયહિન્દ ટ્રોફી : કેસીએ ભુજની જામનગર રૂરલ સામે ભવ્ય જીત

14 February



ભુજ - કચ્છઉદય : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશન દ્વારા આયોજીત આંતર જીલ્લા જય હિન્દ ટ્રોફી ટેસ્ટ મેચ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કચ્છની કેસીએ ભુજ ટીમે શાનદાર પ્રદર્શન કરતા જામનગર રૂરલ સામે ૨૧૩ રને વિજય મેળવી નોક આઉટ રાઉન્ડમાં ગૌરવપૂર્ણ પ્રવેશ કર્યો છે. સુરેન્દ્રનગર ખાતે રમાયેલી આ લીગ રાઉન્ડની બીજી મેચમાં ધ્રુવ ગોસ્વામીએ ૧૯૭ રનની અદભૂત ઇનિંગ રમી પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો. 
મેચના પ્રથમ દિવસે કચ્છની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી ૯૦ ઓવરમાં સાત વિકેટના નુકશાને ૪૧૧ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. આ સ્કોરમાં ધ્રુવ ગોસ્વામીના ૧૯૭ રન ઉપરાંત પીયૂષ રાઠોડના ૮૫ રન, હિરેન કેરાઈના ૪૫ રન અને પૂર્વ રાઠોડના ૩૯ રનનું મહત્વનું યોગદાન રહ્યું હતું. બીજા દિવસે પોતાની પ્રથમ ઇનિંગ રમવા ઉતરેલી જામનગર રૂરલની ટીમ ૯૦ ઓવરમાં ૩૧૭ રને ઓલઆઉટ થઈ ગઈ હતી.  કેસીએ ભુજ વતી જયદીપ જોશીએ ધારદાર બોલિંગનું પ્રદર્શન કરતા છ વિકેટ ઝડપી હતી, જ્યારે અવનીશ કેરાઈને બે વિકેટ મળી હતી. પ્રથમ ઇનિંગના આધારે કચ્છની ટીમને ૯૪ રનની મહત્વપૂર્ણ સરસાઈ પ્રાપ્ત થઈ હતી. 
મેચના ત્રીજા દિવસે કેસીએ ભુજની ટીમે તેના બીજા દાવમાં ૪૫ ઓવરમાં ૨૪૭ રન બનાવ્યા હતા. જેમાં હિરેન કેરાઈએ ૯૩ રન અને ધ્રુવ ગોસ્વામીએ ૯૨ રનનું યોગદાન આપ્યું હતું,  પ્રથમ ઇનિંગની સરસાઈ સાથે જામનગર રૂરલને જીત માટે ૪૫ ઓવરમાં ૩૪૨ રનનો લક્ષ્ય મળ્યો હતો. જોકે કચ્છની ધારદાર બોલિંગ સામે જામનગરની ટીમ માત્ર ૨૫.૨ ઓવરમાં ૧૨૮ રનમાં જ ધરાશાયી થઈ ગઈ હતી. બીજી ઇનિંગમાં કિશન વરસાણીએ ૩ વિકેટ અને જયદીપ જોશીએ ૨ વિકેટ ઝડપી હતી, જ્યારે આર્યન મલેક, અમરીશ કારા, અવનીશ કેરાઈ અને પીયૂષ રાઠોડને ૧-૧ વિકેટ મળી હતી. ટીમના કોચ મહેશભાઈ પંડ્યા અને મેનેજર અમિતભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ મેળવેલી આ જીત બદલ કચ્છ ક્રિકેટ એસોશિયેશનના હોદ્દેદારો અને સિલેક્ટરોએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
---------- 

Comments

COMMENT / REPLY FROM