જિ.પં. આયુર્વેદ શાખા દ્વારા નલિયા ખાતે આયુષ મેળો યોજાયો
નલિયા - કચ્છઉદય : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સુચના અને માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, ભુજ-કચ્છ દ્વારા કચ્છી રાજપુત સમાજવાડી, નલિયા ખાતે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ, આરોગ્ય શાખા, આઈસીડીએસ શાખાના સહયોગથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આયુષ મેળામાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજામાન, રાજેન્દ્રસિંહ જાડેજા , પુરૂષોતમભાઈ મારવાડા, જયદિપસિંહ જાડેજા પ્રમુખ, સુરેશસિંહ જાડેજા, રામજીભાઈ કોલી વગેરે પદાધિકારીઓ તથા અધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. વિનોદભાઈ નિનામા દ્વારા મહેમાનોનું શાબ્દિક હાર્દિક સ્વાગત કરી આયુષ શાખા અંતર્ગત કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિ તેમજ આયુષ મેળા વિશે માહિતી આપવામાં આવી હતી. અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા લોકો આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ પ્રાચીન ચિકિત્સા પધ્ધતિ છે એમ જણાવી લોકો આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિનો મહત્તમ લાભ લે તે માટે અપીલ કરી આયુષ શાખાની કામગીરીને બિરદાવી હતી. યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા આરોગ્યની સુખાકારી માટે યોગ નિર્દેશન કરવામાં આવ્યું હતું. નલિયાના સીડીપીઓ આઈસીડીએસ દ્વારાઆંગણવાડી નીનિવૃત્ત તેડાગર બહેનોને ગ્રેજ્યુટી અંગેના ચેક વિતરણ આમંત્રિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યા હતા કુપોસિત ૨૦ જેટલા બાળકોને તેઓના વિકાસ માટે આયુર્વેદિક ઔષધ કીટ આપવામાં આવી હતી. આમંત્રિત મહેમાનોના હસ્તે રીબીન કાપી મેળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રોગ્રામનું સંચાલન વૈધ જીગ્નેશ ઠક્કર અને આભારવિધિ મેળાના નોડલ ઓફિસર વૈધ મનીષ ત્રિવેદીએ કરી હતી.
આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથી ચિકિત્સકો દ્વારાઆયુર્વેદ અને હોમિયોપેથી નિઃશુલ્ક નિદાન અને સારવાર આપવામાં આવી હતી. ડાયાબિટીસ અનેઉચ્ચ રક્તચાપની તપાસ, પંચકર્મ સારવાર, અગ્નિકર્મ સારવાર, આંખોની તપાસ, પ્રકૃતિ પરીક્ષણ, ૬૦ વર્ષથી ઉપરના વૃદ્ધ વ્યક્તિઓની ખાસ સારવાર, યોગ પ્રાણાયમ માર્ગદર્શન, આયુર્વેદ અને હોમીયોપેથી ચાર્ટ પ્રદર્શન, ઔષધીય રોપા પ્રદર્શન, પોષ્ટિક વાનગી પ્રદર્શન વગેરે તથા વિવિધ શાળાના બાળકો દ્વારા રંગોલી સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા વગેરેનું આયોજન કરાયુંં હતું.
આયુષ મેળામાં આખા દિવસ દરમ્યાન આશરે ૮૦૦ જેટલા મુલાકાતીઓ આવ્યા હતા. જેમણે વિવિધ સ્ટોલમાં આયુર્વેદની ડોક્યુમેન્ટરી, આયુર્વેદનો ઇતિહાસ, આસપાસની વનસ્પતિઓ તેમ જ રસોડાના ઔષધો, હોમિયોપેથી પદ્ધતિ, પૌષ્ટિક વાનગીઓ, આયુષને લગતી રમતો વગેરે નિહાળ્યા હતા. આ સાથે આયુર્વેદ-હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પમાં ૩૭૦ દર્દીઓએ લાભ લીધો હતો. એ સાથે ૧૮ દર્દીઓએ અગ્નિકર્મ, ૧૪ દર્દીઓએ રક્તમોક્ષણ, ૩૨ દર્દીઓએ કટિબસ્તિ - જાનુબસ્તિ અને ૧૦ દર્દીઓએ નેત્ર તર્પણ જેવી લાઈવ આયુર્વેદ સારવારોનો લાભ લીધો હતો. આ સાથે આયુષને લગતી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૮૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં લોકોએ ઉમટીને આ મેળાને સફળ બનાવ્યો હતો.
-------------------

Comments