ભુજમાં થાર ગાડી અને નકલી નોટોના બંડલો સાથે ત્રણ શખ્સો દબોચાયા
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી લોકોને જાળમાં ફસાવતા હતા : ‘ટારઝન’ ભાગી ગયો
ભુજ : શહેર સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરપિંડી આચરતી ગેંગ સક્રિય થઈ હોવાની બાતમીના આધારે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે.
પોલીસને મળેલી ચોક્કસ વિગતો મુજબ એરપોર્ટ રિંગ રોડ પર આવેલી ખારી નદી પાસે એક મહિન્દ્રા થાર ગાડીમાં સવાર થઈ કેટલાક શખ્સો લોકો સાથે વિશ્વાસઘાત કરવાની પેરવીમાં હતા. પોલીસે તુરંત કાર્યવાહી કરીને ઘટનાસ્થળેથી ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. આ શખ્સો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર ઉમેશ ચૌહાણ નામનું નકલી એકાઉન્ટ બનાવીને લોકોને બજાર ભાવ કરતા ખૂબ જ સસ્તા દરે સોનાના બિસ્કિટ આપવાની તેમજ ત્રણ લાખ રૂપિયાના બદલામાં દસ લાખ રૂપિયાની ભારતીય ચલણી નોટો આપવાની લાલચ આપતા હતા. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ શખ્સો સોશિયલ મીડિયા પર નકલી નોટોના વીડિયો અને ફોટા અપલોડ કરી ભોળા લોકોને આકર્ષતા હતા. જે લોકો તેમની જાળમાં ફસાઈ જતા તેમની પાસેથી અસલી નાણાં પડાવીને આર્થિક લાભ મેળવવાનો ખેલ ખેલાતો હતો. પકડાયેલા આરોપીઓમાં જુણા દેઢિયાના ઇસ્માઇલ કાસમ સમા, આશાપુરા નગરના રસીદ આમદ સમા અને સરપટ નાકા નજીક રહેતા પ્રિત નારણભાઈ જોગીનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી ચાર મોબાઈલ ફોન, ૧૦ લાખની કિંમતની મહિન્દ્રા થાર ગાડી અને મનોરંજન બેંક ઓફ ઇન્ડિયા લખેલી ૫૦૦ના દરની નકલી નોટોના ૫ બંડલો કબજે કર્યા છે. આ ટોળકીમાં અન્ય એક આરોપી ધ્રોબાણા હાલે આશાપુરા નગરનો ઓસમાણ ઉર્ફે ટાર્ઝન પણ સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે જે હાલ ફરાર છે. ભુજ શહેર એ ડિવિઝન
પોલીસ મથકે આ મામલે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Comments