Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉમાં પોલીસનું મેગા કોમ્બિંગ દારૂડિયાઓ અને અસામાજિક તત્વોમાં ફફડાટ, અનેક સામે કાયદાનો સકંજો

13 February




વિવિધ ટીમો બનાવી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાયું સરપ્રાઈઝ ચેકિંગ


ભુજ : ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને અસામાજિક તત્વો પર લગામ કસવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ મેગા ડ્રાઈવમાં ભચાઉ શહેર સહિત ગ્રામ્ય પંથકોમાં પોલીસની અલગ-અલગ ટીમો ત્રાટકી હતી. આ સમગ્ર ઓપરેશન દરમિયાન દારૂની બદી, જુગારની પ્રવૃત્તિ અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઈસમો પર પોલીસનો કડક સકંજો જોવા મળ્યો હતો. સવારથી શરૂ થયેલી આ કામગીરીમાં પી.આઈ. એ.એ. જાડેજાના નેતૃત્વમાં પોલીસ કાફલાએ હોટલ, ઢાબા અને અવાવરૂ જગ્યાઓ પર તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો.આ કોમ્બિંગ દરમિયાન પોલીસે દારૂ પીધેલા અને પ્રોહિબિશનના કેસોમાં નોંધપાત્ર સફળતા મેળવી હતી. પ્રોહિબિશનના દસ જેટલા કેસ નોંધીને બુટલેગરો પર ૨૧ જેટલી નિલ રેડ કરવામાં આવી હતી. આ ઉપરાંત વીજ કંપનીના સ્ટાફને સાથે રાખીને ગેરકાયદેસર વીજ જોડાણનો ઉપયોગ કરતા તત્વો સામે પણ લાલ આંખ કરવામાં આવી હતી અને પાંચ સ્થળોએ વીજ ચોરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જાહેર શાંતિ અને સુરક્ષાને ધ્યાને રાખીને જી.પી. એક્ટ હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા એ-રોલ અને બી-રોલના ૨૯ જેટલા ઈસમો સામે પણ પોલીસે તપાસ કરી પોતાની ધાક જમાવી હતી. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરનારા વાહનચાલકો પર પણ પોલીસનું કડક વલણ જોવા મળ્યું હતું. સમગ્ર ડ્રાઈવ દરમિયાન ૩૨૫ જેટલા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં નંબર પ્લેટ વગરના અને કાળી ફિલ્મ ધરાવતા વાહનો પાસેથી હજારો રૂપિયાનો સ્થળ દંડ વસૂલવામાં આવ્યો હતો. મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ૧૫ જેટલા વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ૩૭ જેટલા વાહનો સામે એન.સી. ફરિયાદ દાખલ કરી દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. અચાનક હાથ ધરવામાં આવેલી આ કામગીરીને પગલે ભચાઉ વિસ્તારના લુખ્ખા તત્વો અને નિયમભંગ કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

........

ગાંધીધામ હિટ એન્ડ રન બાદ પૂર્વ કચ્છ પોલીસ એક્શન મોડમાં

ગાંધીધામના રોટરી સર્કલ પાસે બનેલી હિટ એન્ડ રનની હૃદયદ્રાવક ઘટનામાં બે આશાસ્પદ યુવાનોના અકાળે અવસાન બાદ પૂર્વ કચ્છ પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતા જ સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના આદેશો છૂટ્યા છે. જેના ભાગરૂપે પ્રથમ આદિપુર, અંજાર અને ત્યારબાદ ગાંધીધામ એ-ડિવિઝન તથા રાપરમાં સઘન તપાસ હાથ ધર્યા બાદ હવે ભચાઉ પોલીસે પણ મેદાનમાં ઉતરી શહેરના ખૂણેખૂણા ફંફોસી માર્યા હતા.

Comments

COMMENT / REPLY FROM