ભુજ લોહાણા મહાજન દ્વારા ઇષ્ટદેવ દરિયાલાલદેવની ૮૫૩મી જન્મજયંતી ભાવભક્તિથી ઉજવવાની વ્યક્ત કરાઈ નેમ
ભુજ - કચ્છઉદય : લોહાણા સમાજના ઇષ્ટદેવ પરમ પૂજ્ય દરિયાલાલ દેવની ૮૫૩મી જન્મજયંતિ ચૈત્ર સુદ બીજ, તા. ૨૦-૩ને શુક્રવારના રોજ ભવ્ય, દિવ્ય અને ભક્તિભાવપૂર્વક ઉજવવાના શુભ સંકલ્પ સાથે ભુજ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિની એક મહત્વપૂર્ણ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ઇષ્ટદેવના ચરણોમાં અખૂટ શ્રદ્ધા અર્પણ કરતાં એ ભાવ વ્યક્ત થયો કે દરિયાલાલ દેવની જન્મજયંતિ માત્ર ઉત્સવ ન રહે, પરંતુ સેવા, સંસ્કાર અને સમર્પણનું જીવંત યજ્ઞ બને. દરેક ધાર્મિક અને સામાજિક પ્રસંગ ઇષ્ટદેવની મહિમાને અનુરૂપ, ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાય તે અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ આયોજન મિટિંગની શરૂઆત મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ હરેશભાઈ કતીરા, મંત્રી કમલભાઈ કારીઆ, ખજાનચી હિતેશભાઈ ઠક્કર, સહમંત્રી અલ્પેશભાઈ ચંદે, સહમંત્રી પ્રફુલ્લાબેન કોટક, મહિલાશ્રમના પ્રમુખ ચેતનભાઈ ઠક્કર, યુવા મંડળના ઉપપ્રમુખ નમન ઠક્કર, મહિલા મંડળના પ્રમુખ પલ્લવીબેન ઠક્કર, કોમર્શિયલ બેંકના ચેરમેન કલ્પેશભાઈ ઠક્કર તથા બાંધકામ સમિતિના ચેરમેન દર્શનભાઈ ભીંડે શિક્ષણ સમિતિના તેજલબેન તન્ના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાઈ હતી.
મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદેના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં લોહાણા જ્ઞાતિજનો સાથે સાથે ભુજ લોહાણા મહાજનની સંલગ્ન સંસ્થાઓ, મહિલા મંડળ, યુવા મંડળ, વાગડ રઘુવંશી પરિવાર, ઉત્તર ગુજરાત દેશી લોહાણા પરિવાર, દત્ત મહિલા મંડળ, રઘુવંશી સોશિયલ ગ્રુપ, અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીરસેના, બાપા દયાળુ ગ્રુપ તથા વિવિધ ફળિયા-કોલોનીના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતિએ સાબિત કર્યું કે જ્યાં ઇષ્ટદેવનું નામ હોય, ત્યાં જ્ઞાતિ આપમેળે જોડાય.
આ સભામાં તા.૨૦-૩ના રોજ યોજાનારી દરિયાલાલ ઇષ્ટદેવની જન્મજયંતિના મુખ્ય યજમાન તરીકે માતૃશ્રી ગંગામાં વિશ્રામ રામદાસ ઠક્કર (મજેઠીયા), રતનશીભાઈ વિશ્રામ ઠક્કર, રતનબેન રાતનશીભાઈ ઠક્કર, ખાવડાવાળા હાલે ભુજ, ભૂમિ હેન્ડીક્રાફ્ટસ, પૂજા સુરેશ ઠક્કર, ગીતા શૈલેષ ઠક્કર, કોમલ જગદીશ ઠક્કર, ચેતના ભરત ઠક્કર, મુક્તાબેન ભરત ઠક્કર, દક્ષાબેન મુકેશભાઇ પવાણી, મોંઘીબેન ભીમજીભાઈ ચંદે પરિવારને સર્વસંમતિથી જાહેર કરવામાં આવ્યા હતા
ઉજવણીના ભાગરૂપે ભુજ લોહાણા મહાજન દ્વારા ભવ્ય બાઈક રેલીનું આયોજન તા.૧૫-૩ના રોજ બપોરે ૩.૩૦ કલાકે રવાણી ફળિયા જલારામ મંદિરથી દરિયાસ્થાન મંદિર સુધી ધરચાયું છે. રેલી પૂર્ણ થયા બાદ જયેશભાઈ સચદે (બાપા દયાળુ) તરફથી સંગીતમય મહાઆરતી તથા હાંડલા ગરબી મિત્ર મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે.
ચૈત્ર સુદ બીજના પવિત્ર દિવસે તા.૨૦-૩ના રોજ સવારે દાતા તરીકે સુરેશભાઇ મણીલાલભાઈ ઠક્કર પરિવાર દ્વારા ભુજ આસપાસ વિસ્તારના દરિદ્રનારાયણો માટે મિષ્ટાન ભોજન-પ્રસાદનું વિતરણ કરવામાં આવશે . સવારે ૮.૩૦ કલાકે દરિયાસ્થાન મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજનવિધિ, મહાઆરતી, મુખ્ય દાતા પરિવારનું સન્માન, જલયાત્રા તથા વરુણદેવ પૂજન યોજાશે. ત્યારબાદ રઘુનાથજીના મંદિરના આરે ફોટોમેજિક પરિવાર દ્વારા સન્માન કાર્યક્રમ યોજાશે અને સાંજે ભવ્ય શોભાયાત્રા (રવાડી) આયોજિત થશે.
લોહાણા મહિલા મંડળ તથા યુવા મંડળ દ્વારા યોજાનારી વિવિધ હરીફાઈઓ, કળશધારી બાલિકાઓ, નાના બાળકોની મનોહર વેશભૂષા, આકર્ષક ફ્લોટ્સ અને ડી.જે. સમગ્ર ઉત્સવને રંગીન બનાવશે. મોડી સાંજે મહાજનવાડી અને મહિલા આશ્રમ સત્સંગ હોલમાં વડીલો માટે બેઠક વ્યવસ્થા સાથે સમૂહ પ્રસાદ તથા ભજન-સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવશે. સભામાં જ્ઞાતિજનો દ્વારા મહત્વપૂર્ણ મંતવ્યો અને સૂચનો રજૂ થયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહાજનના મંત્રી કમલભાઈ કારીઆએ કર્યું હતું તથા આભારવિધિ સહમંત્રી પ્રફુલ્લાબેન કોટકે કરી હતી.
-----------

Comments