Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામની મેઈન બજારમાં તસ્કરો  ત્રાટક્યા : ત્રણ દુકાનના શટર તોડી ચોરી

11 February


સવારે ૪ઃ૩૦ વાગ્યે દુકાનોમાં ઘુસી ૬ હજાર રોકડા, ચાંદીના સિક્કા અને કપડાનો હાથ ફેરો કરાયો : મુખ્ય વિસ્તારમાં એક સાથે ત્રણ દુકાનના તાળા તુટતાં વેપારી આલમમાં ફફડાટ 

ગાંધીધામ - કચ્છઉદય : શહેરના વ્યસ્ત મેઈન બજાર વિસ્તારમાં આજે વહેલી સવારે ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આજે સવારે અંદાજે ૪ઃ૩૦ વાગ્યાના આસપાસ ત્રણ અજાણ્યા તસ્કરો જલારામ સિલેક્શન, વંદના સ્ટીલ પોઇન્ટ, પોલીસ સ્ટેશન ચાર રસ્તા પાસે આવેલ સનરાઈઝ સિલેકશન નામની દુકાનોના શટર તોડી અંદર પ્રવેશ્યા હતા. તસ્કરોએ એક દુકાનમાંથી આશરે રૂપિયા ૬,૦૦૦ રોકડાની ચોરી કરી હતી, જ્યારે બીજી દુકાનમાંથી બે ચાંદીના સિક્કા તેમજ કપડાં લઈ ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના દુકાનમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. કેમેરામાં જોવા મળતા ફૂટેઝ પ્રમાણે ૩ શખ્સોએ ભેગા મળી શટરને વાળી એક શખ્સ દુકાનમાં નીચેથી સરકી ગયો અને મોબાઈલની લાઈટ ચાલુ કરીને કિંમતી સામાન શોધતો જોવા મળે છે. બાકીના બે શખ્સો બહાર આંટાફેરા કરી ચોકી કરતા હતા. 
ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. શહેરના મુખ્ય વિસ્તારમાં તસ્કરો આવ્યા અને ત્રણ દુકાનોના તાળા તોડી ચોરી કરી જતાં વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે. અગાઉ પણ ગાંધીધામની મુેખ્ય બજારમાં ચોરીની ઘટનાઓ બની ચુકી છે. આ ચોરીએ ફરી એક વખત પોલીસના રાત્રી પેટ્રોલિંગ સામે સવાલો ઉઠાવ્યા છે. તસ્કરોએ ધારદાર સાધન વડે આખા શટરને વાળી દુકાનની અંદર ઘુસી ચોરી કરી હોવાનું જણાઈ આવે છે. 

 

Comments

COMMENT / REPLY FROM