Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની પ્રાથમિક શાળાઓમાં ૬ એપ્રિલથી લેવાશે વાર્ષિક પરીક્ષા

10 February




ધોરણ ૩ થી ૮ના લાખો વિદ્યાર્થીઓ માટે જીસીઈઆરટી દ્વારા સમાન પરીક્ષાનું સમયપત્રક જાહેર કરાયું

ભુજ - કચ્છઉદય : ગાંધીનગર સ્થિત ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત કસોટીના આયોજન અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે ધોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓ માટેની આ પરીક્ષા આગામી તારીખ ૬ એપ્રિલથી શરૂ થશે અને ૨૨ એપ્રિલના રોજ પૂર્ણ થશે. સમગ્ર રાજ્યની શાળાઓમાં પરીક્ષાના આયોજનમાં એકસૂત્રતા જળવાઈ રહે તે હેતુથી પરિષદ દ્વારા સમાન સમયપત્રક પણ બહાર પાડવામાં આવ્યું છે. શૈક્ષણિક માળખા મુજબ ધોરણ ૩ થી ૫ના વિદ્યાર્થીઓની કસોટી ૬થી ૧૧ એપ્રિલ દરમિયાન યોજાશે, જ્યારે ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાઓ ૧૩થી ૨૨ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન લેવામાં આવશે.
આ વર્ષની પરીક્ષા પદ્ધતિમાં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે, જે મુજબ પ્રશ્નપત્રોમાં ૩૦ ટકા પ્રશ્નો ’પરખ’ રાષ્ટ્રીય સર્વેક્ષણ પ્રકારના લર્નિંગ આઉટકમ એટલે કે અધ્યયન નિષ્પત્તિઓ આધારિત પૂછવામાં આવશે. પરીક્ષાના અભ્યાસક્રમની વાત કરીએ તો, નવેમ્બરથી માર્ચ માસ દરમિયાન ચલાવવામાં આવેલા દ્વિતીય સત્રના અભ્યાસક્રમને જ ધ્યાને લેવામાં આવશે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓએ રાજ્ય કક્ષાએથી તૈયાર થયેલા સમાન પ્રશ્નપત્રોનો જ ઉપયોગ કરવાનો રહેશે. જોકે, સ્વનિર્ભર શાળાઓને મુખ્ય વિષયો સિવાયના પ્રશ્નપત્રો નિયત માળખા મુજબ શાળા કક્ષાએ તૈયાર કરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ તેઓએ પણ મુખ્ય પરીક્ષા તો જાહેર કરેલા સમાન સમયપત્રક મુજબ જ લેવાની રહેશે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે સીઆરસી અને બીઆરસી કો-ઓર્ડિનેટર સહિતના અધિકારીઓ દ્વારા સઘન મોનીટરીંગ કરવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન પ્રશ્નપત્રોની ગોપનીયતા જાળવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.
----------- 

Comments

COMMENT / REPLY FROM