Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ-આદિપુર સેક્શન પર ૧૨૦ કિમીની ઝડપે સફળ ટ્રેન ટ્રાયલ

10 February



ચોહરીકરણ અને ‘વાય’ કનેક્ટિવિટીની કામગીરી પૂર્ણ થતા માલસામાનની હેરફેરની ક્ષમતામાં ત્રણ ગણો વધારો થશે : ગાંધીધામમાં એન્જિન રિવર્સલની ઝંઝટમાંથી મુક્તિ મળતા મુસાફરોનો સમય બચશે


ગાંધીધામ - કચ્છઉદય : કચ્છના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વેગ આપવા માટે ભારતીય રેલવે દ્વારા એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ગાંધીધામ-આદિપુર રેલખંડ પર ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ગતિએ ટ્રેનનું સફળ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી તરીકે મહાવીર ચક્ર વિજેતા કેપ્ટન કપિલ સિંહ થાપાના નામ સાથે જોડાયેલું વિશેષ રેલવે એન્જિન રહ્યું હતું. પશ્ચિમ રેલવે દ્વારા હાથ ધરવામાં આવેલ ગાંધીધામ-આદિપુર રેલ લાઇનના ચોહરીકરણ અને આદિપુર સ્ટેશન પર નવનિર્મિત ‘વાય’ કનેક્ટિવિટીનું કાર્ય હવે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે. આ નવા રેલ માર્ગના નિરીક્ષણ માટે ૯ અને ૧૦ ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમ સર્કલના રેલ સંરક્ષા આયુક્ત ઈ. શ્રીનિવાસ દ્વારા ઝીણવટભરી તપાસ અને સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આ માર્ગને ઊંચી ઝડપ માટે લીલી ઝંડી મળી છે.
આ નવી સુવિધાના અમલીકરણ સાથે હવે આ રેલખંડ પર ટ્રેનો ૧૨૦ કિલોમીટરની મહત્તમ ઝડપે દોડી શકશે. સૌથી મહત્વનો ફાયદો માલસામાનની હેરફેરમાં જોવા મળશે, જ્યાં પહેલા દરરોજ ૫૦ થી ૬૦ માલગાડીઓ દોડતી હતી, તેની ક્ષમતા હવે વધીને ૧૫૦ સુધી પહોંચી શકે છે. કંડલા અને મુંદ્રા પોર્ટ સાથે જોડાયેલો આ માર્ગ દેશનો અત્યંત મહત્વપૂર્ણ ફ્રેટ કોરિડોર હોવાથી અહીંથી મીઠું, કન્ટેનર, પેટ્રોલિયમ અને અનાજ જેવી ચીજવસ્તુઓની મોટા પાયે હેરફેર થાય છે. રેલવે લાઈનના ચોહરીકરણને કારણે માલગાડીઓના ટર્નઅરાઉન્ડ સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે અને વેગનનો વધુ સારી રીતે ઉપયોગ થઈ શકશે, જેનાથી લોજિસ્ટિક ખર્ચ ઘટતા સ્થાનિક ઉદ્યોગો અને વેપારને સીધો આર્થિક લાભ થશે.
મુસાફરો માટે પણ આ પ્રોજેક્ટ મોટી રાહત લઈને આવ્યો છે. ગોપાલપુર નવા સ્ટેશનના નિર્માણને કારણે હવે અમદાવાદ-ભુજ વચ્ચે દોડતી ટ્રેનોને ગાંધીધામ સ્ટેશન પર એન્જિન રિવર્સલ કરવાની જરૂરિયાત રહેશે નહીં. આ પરિવર્તનને લીધે પ્રત્યેક ટ્રેનના સમયમાં અંદાજે ૨૦ થી ૨૫ મિનિટની સીધી બચત થશે. તેવી જ રીતે આદિપુર સ્ટેશન પર ‘વાય’ કનેક્ટિવિટી મળવાથી ટ્રેનોની દિશા બદલવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળી છે, જેનાથી સમય અને ઈંધણ બંનેની બચત થશે અને રેલવેનું પરિચાલન વધુ સરળ બનશે. કચ્છ ક્ષેત્રમાં નવી લાઈનો અને નવી ઝડપ સાથેનો આ રેલવે વિકાસ આગામી સમયમાં રોકાણ, રોજગાર અને વ્યાપારની નવી ક્ષિતિજો ખોલશે.
--------- 

Comments

COMMENT / REPLY FROM