ખોટી અરજી કરનાર અરજદારને દંડ ફટકારતી ભુજની મુખ્ય અદાલત
ભુજ - કચ્છઉદય : ખોટી અરજી કરનાર અરજદારને ભુજની મુખ્ય અદાલતે દંડ ફટકાર્યો હતો.
ભુજ કોર્ટ મધ્યે ફોજદારી રીવીઝન અરજી ૮૪/૨૦૨૫માં અરજદાર હસમુખ ગાભુભાઈ પટેલને ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ દ્વારા પણ ખોટી અરજીઓ કરવાની ટેવવાળા હોવાનું ઠરાવેલ છે તેમજ ફરી તેવું ન કરે અને સબક મળે તે માટે રૂપિયા ૨૫૦૦૦ના ખર્ચનો હુકમ કરેલ તેમ છતાં અરજદાર - મૂળ આરોપીએ આવી પ્રવૃતિઓ ચાલુ રાખી હતી. આથી મુખ્ય જિલ્લા ન્યાયાધીશ મહીડા દિલીપ પી.ના મત મુજબ આવા વ્યક્તિને આવી પ્રવૃત્તિ કરતા અટકાવવા જરૂરી છે અન્યથા અદાલત દ્વારા જે સમય યોગ્ય વ્યક્તિને ન્યાય પુરો પાડવા વાપરવાનો હોય છે તે સમય આવી ખોટી ટેવવાળા વ્યક્તિની વ્યર્થ અરજીઓમાં વાપરવાનો થાય છે, જેના કારણે ખરેખર ન્યાય મેળવવા માંગનાર વ્યક્તિ ન્યાયથી વંચિત રહી જાય છે. આથી મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દ્વારા તા.૧૦/૨ના ફોજદારી રીવીઝન અરજી ૮૪/૨૦૨૫ના અરજદાર - મૂળ આરોપી હસમુખ ગાભુભાઈ પટેલનાઓની અરજી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૪૩૮ મુજબ રદ કરી નીચેની અદાલત દ્વારા કરવામાં આવેલ હુકમ કાયમ રાખવામાં આવેલ છે તથા ખાસ ખર્ચ પેટે રૂપિયા ૨૫૦૦૦ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, કચ્છ - ભુજ મધ્યે દિન ૧૦માં જમા કરાવી અદાલતમાં પહોચ રજુ કરવા હુકમ કરવામાં આવેલ છે. આ ખાસ ખર્ચની રકમ ભરવામાં હસમુખભાઈ ગાભુભાઈ પટેલ નિષ્ફળ નીવડે તો આ ખાસ ખર્ચની રકમ રેવેન્યુ રાહે વસુલ મેળવવા કલેકટર દ્વારા અથવા તેઓ નક્કી કરે તેવા અધિકારી મારફતે કાર્યવાહી કરવા હુકમ કરેલ છે.
--------

Comments