મુંદરાના મંગરા પાસે સાદી રેતીની ખનિજ ચોરી ઝડપાઈ
૧૩.૫ મેટ્રિક ટન જથ્થા સાથે ડમ્પર કબજે કરાયું
ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છના મુંદરા ખાતે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા ખનિજ ચોરી વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ખનિજ ચોરી અટકાવવા માટે હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન, ૧૦ ફેબ્રુઆરીના રોજ મંગરા નદી વિસ્તારમાંથી રોયલ્ટી વગર સાદી રેતી ભરીને જતું એક ડમ્પર ઝડપી પાડવામાં આવ્યું હતું.
આ કાર્યવાહીમાં જીજે ૧૩ એટી ૮૯૯૯ નંબરની ટ્રકમાંથી આશરે ૧૩.૫ મેટ્રિક ટન સાદી રેતીનો જથ્થો મળી આવ્યો હતો. તંત્ર દ્વારા ડમ્પરના ડ્રાઈવર રાજુભા રાઠોડ અને માલિક દીપસંગજી રાઠોડ (રહે. મંગરા) વિરુદ્ધ કાર્યવાહી કરી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ આ વાહન અને રેતીનો જથ્થો મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે અને આ મામલે આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.
-----

Comments