બજાર કરતાં રપ ટકા ઓછા ભાવે બિસ્કિટ આપવાનું કહી ૪.૩૦ લાખની ઠગાઈ
ભુજના ત્રણ ઈસમોએ ખોટુ નામ ધારણ કરી ઠગાઈને અંજામ અપાયો
ભુજ - કચ્છઉદય : સસ્તા સોનાના ચિટરો દ્વારા અવાર નવાર ઠગાઈના બનાવોને અંજામ આપવામાં આવે છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં ચિટરો હજુ પણ સુધર્યા નથી. ત્યારે વધુ એક મામલો સામે આવ્યો છે. અમદાવાદના બોપલમાં રહેતા ૩૦ વર્ષિય વેપારી યુવાન જેમીન પરેશભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે ગત માર્ચ ર૦ર૪માં આ બનાવ બન્યો હતો.
આરોપીઓએ ગુનાહિત કાવતરૂ રચી રીઝવાન રમજુ મોખાએ ફેશબુક પર મોહિત સોની નામની બનાવટી આઈડી બનાવી હતી, જેમાં સસ્તામાં સોનું આપવાની જાહેરાત પોસ્ટ કરી હતી. ફરિયાદીએ મેસેન્જરથી સંપર્ક કરતાં બજાર ભાવ કરતાં સસ્તામાં સોનું આપવામાં આવતું હોવાની ખોટી વાત કરી ફરિયાદીને ભુજ બોલાવી અન્ય બે ઈસમોએ મિટીંગ કરી એક બિસ્કિટ બતાવ્યું હતું. બજાર ભાવ કરતાં ર૦થી રપ ટકા ઓછા ભાવે બિસ્કિટ આપવામાં આવતું હોવાની લાલચ આપી હતી. સસ્તામાં સોનું આપવાની લાલચ આપીને ૪.૩૦ લાખ પડાવી લેવામાં આવ્યા હતા. જો કે, આજદિન સુધી રૂપિયા કે સોનું આપવામાં આવ્યું નથી, જેથી ભુજ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે મોહિત સોની નામ ધારણ કરનાર ભૂતેશ્વરના રીઝવાન રમજુ મોખા, મહંમદઅલી નામ ધારણ કરનાર ઓધવવંદના સોસાયટીના જુસબ વલીમામદ કકલ અને નવાબ નામ ધારણ કરનાર ભીડ ગેટના અબ્બાસ જુસબ મોખા સામે ગુનો દાખલ કર્યો છે.

Comments