Trending News
સ્થાનિક સમાચાર

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ન્યુરોલોજી, પાર્કિંસન અને મગજ રોગ માટે વિશેષ નિદાન શિબિર યોજાઈ

09 February



બિદડા - કચ્છઉદય : બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ન્યુરોલોજી, પાર્કિંસન અને મગજ રોગ માટે વિશેષ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં અમદાવાદના ગોલ્ડ મેડાલીસ્ટ ન્યુરોલોજિસ્ટ (મગજ તથા સ્નાયુતંત્રના નિષ્ણાત) ડૉ. હેલી  શાહ અને ડૉ. ચેતશી શાહ તથા  તેમના આસિસ્ટન્ટ ડૉ. મોનાલિસા વેગડા તેમજ મેડિકલ ઓફિસર ડૉ. હેમંત મિશ્રાની ટીમ દ્વારા દર્દીઓની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શિબિરમાં કુલ ૬૯ દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી. જરૂરતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી. ન્યુરોલોજિસ્ટ નિષ્ણાતોએ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, શિબિરમાં માથાનો દુઃખાવો, આંખે અંધારું આવવું, ચક્કર આવવા જેવી સમસ્યાઓના નિદાન માટે દર્દીઓ આવ્યા હતા. ઘણી વખત આવા લક્ષણો દેખાતા હોવા છતાં દર્દી વાસ્તવિક બીમારીથી અજાણ રહેતો હોય છે. પાર્કિંસન રોગથી પીડાતા દર્દીઓ પણ જોવા મળ્યા હતા. આ રોગમાં મગજના સ્નાયુતંત્ર ઉપર અસર થવાથી શરીરના સંતુલનમાં ખલેલ પડે છે. સામાન્ય રીતે આ રોગમાં દવાઓ દ્વારા સારવાર આપવામાં આવે છે. તદ્દઉપરાંત બ્રેઇન ટ્યુમર જેવા ગંભીર રોગોમાં શરૂઆતમાં માથાનો દુઃખાવો, ઉલટી, ઉબકા જેવા સામાન્ય લક્ષણો જોવા મળતા હોવાથી વ્યક્તિને મોટી બીમારી હોવાની જાણ થતી નથી, પરંતુ આગળ જઈ નિદાન થતાં દવાઓ સાથે ઘણા કિસ્સાઓમાં ઓપરેશન જ એકમાત્ર ઉપાય બની રહે છે.
શિબિરમાં ડિમેન્શિયા, એપિલેપ્સી, ટ્રાન્ઝિએન્ટ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર તેમજ ડિજનરેટિવ સ્પાઇન જેવા રોગોના દર્દીઓ પણ નોંધાયા હતા. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, મગજ તથા નર્વસ સિસ્ટમ સંબંધિત રોગોમાં ડોક્ટરની સલાહ અનુસાર સમયસર યોગ્ય સારવાર લેવી અત્યંત જરૂરી છે, જેથી રોગને શરૂઆતના તબક્કામાં જ નિયંત્રણમાં રાખી શકાય.
સંસ્થાના ચેરમેન વિજય છેડાએ હાજર તમામ ડોક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે, બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે દર મહિને વિવિધ મેડિકલ શિબિરો યોજવામાં આવે છે તેમજ સ્થાયી સારવાર અને ઓપરેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ શિબિરમાં સંસ્થાના ટ્રસ્ટી શાંતિભાઈ વીરા, સ્થાયી એમ.ડી. ફિઝિશિયન ડૉ. નરોતમ ભાણુશાળી તેમજ મેડિકલ ઓફિસર ડૉ. દીક્ષિત વેલાણી અને ડૉ. કનક મોરીએ તેમજ સ્વયંસેવક તરીકે જગદીશ ફુરીયા, પોપટ ગાલા સેવાઓ આપી હતી. ટ્રસ્ટના સ્ટાફે વ્યવસ્થા સંભાળી હતી. 
-----

Comments

COMMENT / REPLY FROM