મુંદરાના કલાપૂર્ણ આશિષમાં તસ્કરો ત્રાટક્યા
પરિવાર બિહારથી આવશે ત્યારે ચોરીનો આંક સામે આવશેઃ નગરમાં વધતી ચોરીની ઘટનાએ ઉચ્ચાટ જગાવ્યા
મુંદરા - કચ્છઉદય : બંદરીય શહેર મુંદરામાં પાછલા કેટલાક સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે, તે વચ્ચે અંહી કલાપૂર્ણ આશિષ નામની સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે. રાતના સમયે અજાણ્યા શખ્સો ત્રાટકયા અને બંધ ઘરના તાળા તોડી અંદર ઘૂસ્યા હતા. મકાનના મેઈન ગેટનું તાળું ન તુટતા ગેટ કુદીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. અહીં રહેતો પરિવાર પ્રસંગોપાત બિહાર ગયો હતો. ગઈકાલે સબંધી આવતા મકાનનું તાળું તુટેલું જણાયું હતું અને ઘરની અંદર ઘરવખરી વેર વિખેર હતી. પરિવારના સબંધી આવ્યા બિહારથી આવ્યા બાદ કેટલો મુદ્દામાલ ગયો તે સામે આવશે. ભરચક વિસ્તારમાં ચોરીની ઘટનાએ ચકચાર જગાવી છે. તસ્કરો આરામથી આવે અને ચોરી કરી જાય તે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવે છે. હાલે પોલીસ દફતરે કોઈ નોંધ દાખલ થઈ નથી. ચોરીની ઘટના અટકાવવા માટે સ્થાનીકો પણ જાગૃત બને તે જરૂરી છે.

Comments