ગાંધીધામમાં ચકચાર સર્જનારા અકસ્માતમાં ચાલક સહિત ૪ ઝડપાયા
ગાંધીધામ - કચ્છઉદય : શહેરના ટાગોર રોડ પર થયેલા હિટ એન્ડ રનના ગુનામાં ચાલક સહિત ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ટાગોર રોડ પર ઓસિયા મોલની સામે રોટરી સર્કલથી ઓસ્લો આવતા રોડ પર મારૂતિ સુઝુકી ફોન્ક્ષ ગાડી નંબર જી.જે. ૧ર સીબી ૯૭૪૩ના ચાલકે પુર ઝડપે ગાડી ચલાવતા ઓશિયા મોલની સામે એક્ટિવા નંબર જી.જે. ૧ર ઈએ ૮૧૧૦ તથા બાઈક નંબર જી.જે. ૧ર સીઆર ૬૮૯૦ સાથે ભટકાવી ફરિયાદી ચંદ્રેશભાઈ દનિચાને જમણા પંજાના ભાગે તથા ડાબા હાથના ભાગે ઈજા પહોંચાડી હતી. ફરિયાદીના મિત્ર ભાવેશ ભર્યા તથા ફરિયાદીના સાળા ભાવીક પાતરિયા તથા કલ્પેશ મહેશ્વરીને હડફેટમાં લઈ અકસ્માત કરવામાં આવ્યો હતો. ગાડીમાં ૧૦થી ૧પ ફુટ ઢસડ્યા હતા, જેમાં ભાવિક અને કલ્પેશને ગંભીર ઈજાઓ થતાં મોત થયું હતું. ભાવેશ ભર્યાને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઈજા પહોંચી હતી. ગાડીના ચાલક સાથે સહઆરોપીઓએ ડ્રાઈવરને ભગાડવામાં મદદગારી કરી પોતે પણ ભાગી ગયા હતા. હિટ એન્ડ રનની આ ઘટનામાં બે આશાસ્પદ યુવાનના મોત થયા અને અન્ય બેને ઈજાઓ થઈ હતી. જેના કારણે સંકૂલમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ બનાવમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. ગાધીધામ બી ડિવિઝન અને એલસીબીએ અલગ અલગ ટીમો બનાવો ચાર આરોપીઓને ઝડપી લીધા છે, જેમાં ફોર વ્હીલર કારનો ચાલક આદિપુર સિંધુનગર સોસાયટીના નીતિન મુકેશ ગોસ્વામી, આદિપુરના દિપમાલ પગરાણીનગરમાં રહેતા દિપક ઈશ્વરભાઈ ધુલાણી, જલારામ સોસાયટીના તરૂણ જીતેન્દ્રભાઈ રિઝવાણી, સિંધુનગરના મનીષ અશોકભાઈ ખેમચંદાણીની અટક કરવામાં આવી હતી. ચારેય આરોપીઓ સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં વિવિધ ગંભીર કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Comments